ગાર્ડનમાં ખીલી ઉઠ્યો છે પરિશ્રમ

Wednesday 07th September 2022 06:38 EDT
 
 

બ્રિટનમાં બ્રિસ્ટોલના રહેવાસી 54 વર્ષના માર્ટિન ફિટોને તેના ઘરના ઉજ્જડ પ્રાંગણને અત્યંત સુંદર જાપાનીઝ ગાર્ડનમાં પરિવર્તીત કરી નાંખ્યું છે. તેમણે આ સ્થળને એટલું અસલ લાગે તેવા જાપાનીઝ ગાર્ડનમાં પરિવર્તીત કર્યું છે કે જાપાનીઝ લોકો પણ આફરીન પોકારી ઉઠ્યા છે. સાચી વાત તો એ છે કે માર્ટિનને ઘરના પ્રાંગણને જાપાનીઝ ગાર્ડનમાં પરિવર્તિત કરવાનો કોઈ વિચાર ન હતો. પણ 2009માં તેઓ ડોરસેટ પ્રવાસે જઈને પરત ફર્યા પછી ખાલી જગ્યામાં જાપાનીઝ ગાર્ડન સાકાર કરવાનો વિચાર મનમાં ઝબક્યો. તેમણે તરત જ ઘરના પ્રાંગણમાં જાપાનીઝ ગાર્ડન બનાવવાનું નક્કી કર્યું. અને છેલ્લા 13 વર્ષથી તેઓ ગાર્ડન માટે અવિરતપણે થાક્યા વગર કામ કરી રહ્યા છે. તેમણે આ માટે છેલ્લા પાંચ વર્ષમાં આઠ હજાર પાઉન્ડનો ખર્ચો પણ કર્યું છે. તેમણે અહીં પરંપરાગત ટી હાઉસ બનાવ્યું છે. તેની સાથે તેમણે કોંક્રિટના લેન્ટર્ન ઉમેર્યા છે, પેગોડા છે અને અહીં તેમને જીવનસાથી સિન્ડી સાથે પેવેલિયનમાં બેસીને ચા પીવી ગમે છે. જાપાનીઝ ગાર્ડનમાં ટ્રાન્કવિલ ઓએસિસના સ્ટેચ્યુ, ગ્રીનરી, પરંપરાગત ટી હાઉસ અને કોઈ પોન્ડ તેની મુખ્ય ખાસિયતો છે. માર્ટિનની પત્ની સિન્ડી ઉપરાંત તેના બંને બાળકો રિસ અને વેનિસા પણ પિતાની આ સર્જનાત્મક્તાથી અભિભૂત થઈ ગયા છે. જાપાનીઝ કલ્ચર પ્રત્યેના વળગણ છતાં હકીકત એ છે કે તેઓ ક્યારેય ત્યાંની મુલાકાતે ગયા નથી, પરંતુ હવે 60મા જન્મદીનની ઊજવણી કરવા જાપાન જવાનું આયોજન છે.
 તેમનું કહેવું છે કે મારી પત્ની તો આ ગાર્ડનમાં બેસવાની કોઈ તક છોડવા માંગતી નથી. મારા ગાર્ડનને જબરજસ્ત પ્રતિસાદ મળ્યો છે અને મને તેનો આનંદ પણ થયો છે. મેં જ્યારે જાપાનીઝ ગાર્ડનની સૌપ્રથમ વખત મુલાકાત લીધી હતી ત્યારે મને ત્યાં જે શાંતિ અને આહલાદકતાનો અનુભવ થયો હતો તે જ અનુભવ મારા ગાર્ડનની મુલાકાત લેનારા બીજા લોકોને થાય તેવી આશા રાખું છું. આ ગાર્ડનને તૈયાર કરવા માટે મેં કોર્નવોલમાં આવેલા આવા જાપાનીઝ ગાર્ડનની ખાસ મુલાકાત લીધી હતી. આ પછી જાપાનીઝ ગાર્ડનનો અભ્યાસ કર્યો. શરૂઆતમાં ઈન્ટરનેટ ન હતું ત્યારે મેગેઝિનથી જાણકારી મેળવી હતી. હવે ઈન્ટરનેટ આવ્યા પછી કામકાજ વધુ ઝડપી બન્યું. મેં અહીં બધું જ જાપાનીઝ પરંપરા મુજબનું હોય તેનું ખાસ ધ્યાન રાખ્યું છે. હું તેનું ચીન સાથે જરા પણ મિશ્રણ થાય તેમ ઈચ્છતો ન હતો. મને તેમાં ખાસ્સી સફળતા પણ મળી છે. આના માટે મેં જાપાનીઝ મિત્રો પણ બનાવ્યા અને તેમના કારણે જ હું આમાં કોઈ ચાઈનીઝ ભેળસેળ ન થાય તેનું ધ્યાન રાખી શક્યો. મારા જાપાનીઝ મિત્રોએ મારા આ પ્રયાસને બિરદાવ્યો છે.માર્ટિન આજે પણ ગાર્ડનની પહેલા જેવી જ સંભાળ લે છે. તેનો જાપાનીઝ લૂક જળવાય તેની વિશેષ કાળજી લે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter