લંડનઃ લંડનમાં ડીએલએ પાઇપર્સ ઓફિસ ખાતે 4 નવેમ્બરના રોજ આયોજિત 10મા વાર્ષિક ઇન્સ્પિરેશનલ વિમેન ઇન લો એવોર્ડ્સ સમારોહમાં 4 મહિલા સોલિસિટર્સને સન્માનિત કરાયાં હતાં. સોલિસિટર ઓફ ધ યર કેટેગરીમાં ઇરવિન મિચેલના સિનિયર એસોસિએટ ગીતા નાયરની પસંદગી કરાઇ હતી. ગીતા નાયરને તેમના પ્રથમ સંતાનના જન્મ વખતે ગંભીર ઇજાઓ થઇ હતી ત્યારથી તેઓ પ્રસુતા આરોગ્ય માટે અભિયાન ચલાવી રહ્યાં છે. ગીતા નાયર ઇરવિન મિચેલના રિજિયોનલ ડાયવર્સિટી નેટવર્કના સહાધ્યક્ષ પણ છે.
ઇ.ઓન યુકેના લોરા વોટલીને ઇન હાઉસ સોલિસિટર તરીકે સન્માનિત કરાયાં હતાં. તેઓ કંપનીની ફર્ટિલિટી ફોરમના સ્થાપક છે અને ફર્ટિલિટી પોલિસી તૈયાર કરવામાં તેમનો સિંહફાળો રહ્યો છે.
તાજેતરમાં જ નેશનલ ગ્રીડમાં કોમર્શિયલ સોલિસિટર તરીકે ક્વોલિફાય થયેલા સરિતા પટેલને રાઇઝિંગ સ્ટાર એવોર્ડથી સન્માનિત કરાયાં હતાં. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ગવર્નન્સમાં તેમના યોગદાન માટે આ સન્માન અપાયું છે.
પૂર્વ કોર્ટ ઓફ અપીલ જજ લોર્ડ હીથર હેલેટ્ટને લાઇફ ટાઇમ એચિવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરાયાં હતાં. તેઓ કોવિડ-19 ઇન્કવાયરીના અધ્યક્ષ પણ છે.


