પ્રેસ્ટનઃ પ્રેસ્ટનસ્થિત ધ ગુજરાત હિન્દુ સોસાયટીએ તેના સ્થાપનાના ૫૦ વર્ષ, હિન્દુ કલ્ચરલ એન્ડ રીક્રીએશનલ સેન્ટરના ૪૦ વર્ષ તેમ જ નવી સજાવટ સાથેના કોમ્પ્લેક્સના ઉદ્ઘાટનના ૧૫ વર્ષની ભવ્ય ઉજવણી કરી હતી. નાના હિન્દુ સમુદાય દ્વારા આરંભ કરાયા છતાં પ્રેસ્ટન મંદિરની કથા નિરાળી જ છે. તેના દ્વારા ધાર્મિક મૂલ્યો અને સાંસ્કૃતિક રીતરિવાજોને પ્રોત્સાહનની સાથોસાથ સેંકડો બાળકોને શિક્ષણ દ્વારા તેમની GCSEપરીક્ષાઓમાં Aથી C ગ્રેડ હાંસલ કરાવવામાં નોંધપાત્ર ભૂમિકા રહી છે. આજે પ્રેસ્ટન મંદિર સેંકડો ભાવિકો માટે યાત્રાસ્થળ બની રહ્યું છે અને હજારો વિદ્યાર્થીઓ ધર્મ વિશે જાગૃતિ મેળવવા અહીં આવે છે.
ઉજવણી પ્રસંગે હનુમાન ચાલીસાના પઠન, નગરયાત્રા અને સનાતન ધર્મની ધજા લહેરાવાઈ હતી. સંગઠનને નોંધપાત્ર સેવા આપનારા મહાનુભાવોના સન્માનનો કાર્યક્રમ પણ યોજાયો હતો. સેંકડો સેવાભાવીઓએ નોંધપાત્ર પ્રદાન કર્યુ હોય ત્યારે આવી પસંદગી મુશ્કેલ હોવા છતાં ૨૫ મહાનુભાવોની યાદી તૈયાર કરાઈ હતી, જેમાંથી ત્રણને સેવા પ્રદાન સન્માન પત્ર તેમ જ ચાર સભ્યો-છોટુભાઈ પટ્ટણી, ગુજરાત સમાચાર અને એશિયન વોઈસના સી. બી. પટેલ, દશરથભાઈ નાયી અને ઈશ્વરભાઈ ટેઈલર જેપી, MBEને વિશિષ્ટ સેવા પ્રદાન સન્માન પત્ર એનાયત કરાયા હતા.
પ્રેસ્ટનમાં ૧૯૬૫માં ધ ગુજરાત હિન્દુ સોસાયટીની સ્થાપના કરાઈ ત્યારે આશરે ૪૦ ગુજરાતી હિન્દુ પરિવાર હતા. આ પરિવારોએ સાંસ્કૃતિક નૃત્યો, સંગીત અને નાટક સાથે ભારતીય ગણતંત્ર દિન ઉજવ્યો હતો. મોટા ભાગના પરિવારોની પશ્ચાદભૂ ખેતીકામની હતી, તેઓ ઝાઝું ભણેલા ન હતા. અંગ્રેજી પર તેમનો પૂરતો કાબુ ન હતો અને કોટન મિલોમાં કામ કરવા નોર્થ વેસ્ટમાં સ્થાયી થવા આવ્યા હતા. સમયાંતરે ઈસ્ટ આફ્રિકાથી વિશેષ કૌશલ્ય અને ભાષાજ્ઞાન સાથે આવેલાં લોકોની સાથોસાથ આ પરિવારોનો પણ વિકાસ થયો હતો. ૧૯૭૫માં નાનુ સ્કૂલ બિલ્ડિંગ ખરીદી ત્યાં કોમ્યુનિટી સેન્ટર અને મંદિર સ્થાપવામાં આવ્યું હતું. આ સ્થળે અનેકવિધ પ્રવૃત્તિઓ ચલાવાતી હતી. વર્ષો દરમિયાન પ્રિન્સ ચાર્લ્સ, પ્રમુખ સ્વામી, મોરારિ બાપુ, રમેશભાઈ ઓઝા, સ્વામી સત્યમિત્રાનંદજી મહારાજ અન્ય સાધુસંતો અને રાજકીય પક્ષોના અગ્રણીઓએ સોસાયટીના આ સેન્ટરની મુલાકાત લીધી છે.
ધ ગુજરાત હિન્દુ સોસાયટીએ વર્ષ ૨૦૦૦માં મિલેનિયમ પ્રોજેક્ટના ભાગરુપે બહુવિધ સવલતો સાથે તદ્દન નવા કોમ્પ્લેક્સનું નિર્માણ કર્યું હતું. અહીં પૂર્ણકાલીન પૂજારી અને અન્ય અડધો ડઝન સ્ટાફ કાર્યરત છે. માસિક મેગેઝિન પ્રકાશિત કરી તમામ હિન્દુ પરિવારોમાં વહેંચવામાં આવે છે. સોસાયટી દ્વારા યોગ, ડાન્સ અને સંગીત ક્લાસીસ, ગુજરાતી ભાષાના વર્ગો તેમ જ વડીલો માટે સપ્તાહમાં બે વખત લંચઓન ક્લબ ચલાવવા સાથે તમામ મુખ્ય ઉત્સવો અને કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવે છે. સોસાયટી અનેક સંપત્તિની માલિકી ધરાવે છે અને નાણાકીય દૃષ્ટિએ સક્ષમ છે. અતિ સફળતાને વરેલા કોમ્યુનિટી સંગઠન વિશે વધુ માહિતી મેળવવા આપ સંસ્થાના પ્રમુખ ભીખુભાઈ પટેલનો સંપર્ક 01772 88326 ફોન નંબર પર કરી શકો છો અથવા [email protected] ને ઈમેઈલ કરી શકો છો.