લંડનઃ સરે યુનિવર્સિટી ગુજરાતના ગિફ્ટ સિટી ખાતે વિશ્વ કક્ષાનું ઇન્ટરનેશનલ કેમ્પસ શરૂ કરવા જઇ રહી છે. ગોવામાં ક્યૂએસ ઇન્ડિયા સમિટ 2025 ખાતે સરે યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ અને વાઇસ ચાન્સેલર પ્રોફેસર જીક્યૂ મેક્સ લુ અને ગ્લોબલ યુનિવર્સિટી સિસ્ટમ્સ એશિયા પેસિફિકના સીઇઓ ડો. શરદ મેહરા દ્વારા આ પ્રોજેક્ટની ઘોષણા કરાઇ હતી. સરે યુનિવર્સિટીએ આ માટે જીયુએસ ગ્લોબલ સર્વિસિઝ સાથે સહકાર કર્યો છે. આ માટેની સરકારી મંજૂરીઓ મેળવવાની કાર્યવાહી અંતિમ તબક્કામાં છે.
આ કેમ્પસ ખાતે બિઝનેસ, ઇન્ટરનેશનલ ફાઇનાન્સ, કોમ્પ્યુટર સાયન્સ, સાયબર સિક્યુરિટી અને અન્ય વિષયોમાં શિક્ષણ અપાશે. કેમ્પસનું સંચાલન સરે યુનિવર્સિટીના નેતૃત્વમાં કરાશે. આ કેમ્પસને કાર્યરત કરવા સરે યુનિવર્સિટી અને જીજીએસ બ્રિટિશ હાઇ કમિશન અને બ્રિટિશ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા સાથે મળીને કામ કરી રહ્યાં છે.

