ગુજરાતમાં પતિ અને પુત્રની હત્યા માટે એક અભાગી ન્યાય ઝંખી રહી છે

700 મિલિયન પાઉન્ડના કોકેન સ્મગલિંગ કેસમાં આરતી ધીર અને કવલ રાયજાદાને 33 વર્ષની કેદ, આરતી અને રાયજાદાએ ગુજરાતમાં એક કિશોરને દત્તક લઇ જીવન વીમાના 1,50,000 પાઉન્ડ મેળવવા માટે તેની હત્યા કરાવી હોવાના આરોપ, બ્રિટન સરકાર આરતી અને રાયજાદાને પ્રત્યર્પિત કરવા તૈયાર નથી

Tuesday 06th February 2024 11:07 EST
 
 

લંડનઃ બ્રિટનના સૌથી મોટા એર ફ્રેઇટ કોકેન સ્મગલિંગ કેસમાં આરતી ધીર અને કવલ રાયજાદાને બ્રિટનની કોર્ટ દ્વારા 33 વર્ષની કેદ ફટકારવામાં આવી છે. આ દંપતીએ 700 મિલિયન પાઉન્ડનું સાત ટન ક્લાસ એ ડ્રગ ઓસ્ટ્રેલિયા મોકલ્યું હતું.લંડનની સાઉથવાર્ક ક્રાઉન કોર્ટમાં 3 મહિનાની સુનાવણી બાદ આવેલા ચુકાદાને નેશનલ ક્રાઇમ એજન્સીએ પોતાની સફળતા ગણાવી હતી. પરંતુ લંડનથી 4000 માઇલ દૂર ભારતમાં એક મહિલા ન્યાયને ઝંખી રહી છે.

2017માં ગુજજરાતના રાજકોટ શહેર નજીકની એક સડક પર અલ્પા કારદાનીના પતિ હરસુખ અને 11 વર્ષીય પુત્ર ગોપાલ સેજાણીની હત્યા કરાઇ હતી. હત્યાના થોડા સમય પહેલાં જ ધીર અને રાયજાદાએ ગોપાલને દત્તક લીધો હતો. ગુજરાતની પોલીસ માને છે કે આરતી ધીર અને રાયજાદાએ જીવન વીમાના 1,50,000 પાઉન્ડ મેળવવા માટે ગોપાલની હત્યા કરાવી નાખી હતી. જોકે બ્રિટને હજુ તેમના પ્રત્યર્પણની મંજૂરી આપી નથી. બ્રિટિશ જજોએ ચુકાદામાં જણાવ્યું હતું કે, તેમના પ્રત્યર્પણથી તેમના માનવ અધિકારોનું હનન થશે.

માલિયા હાટિના ગામમાં રહેતી અલ્પા કારદાની કહે છે કે અમે ઇચ્છીએ છીએ કે આરતી અને રાયજાદા સામે ભારતની કોર્ટમાં કેસ ચાલે. 7 વર્ષ વીતી ગયાં છે છતાં અમને કોઇ ન્યાય મળ્યો નથી. હું તેમને એક સવાલ કરવા માગુ છું કે તેમણે અમારી સાથે આમ કેમ કર્યું, અમે તેમનું શું બગાડ્યું હતું કે તેમણે અમને આટલી પીડા આપી.

આરતી ધીર કેન્યામાં જન્મેલી છે. તે 10 વર્ષની હતી ત્યારે જ તેના માતાપિતા યુકે પહોંચ્યા હતા. બીજીતરફ રાયજાદા માલિયા હાટિનાનો વતની છે. પોતાને ક્રિકેટર ગણાવતો રાયજાદા 2010માં સ્ટુડન્ટ વિઝા પર યુકે પહોંચ્યો હતો. રાયજાદા ધીરના પિતાના કેર ટેકર તરીકે સેવા આપતો હતો. ધીરના પિતાના મોત બાદ ધીરે રાયજાદા સાથે લગ્ન કરી લીધાં હતાં.

2014માં આ દંપતીએ ભારતના અખબારમાં બાળક દત્તક લેવા અને તેને સારી જિંદગી આપવા જાહેરાત આપી હતી. અગાઉ હાનવેલમાં રહી ચૂકેલા નિતિશ મુંડની મદદથી તેમણે ગોપાલના પરિવારનો સંપર્ક કર્યો હતો. અલ્પા કહે છે કે રાયજાદાના પિતા મહેન્દ્રે અમને જણાવ્યું હતું કે, આરતી અને રાયજાદા એક બાળકને દત્તક લેવા માગે છે. તમે બહુ ગરીબ છો. તેથી ગોપાલની જિંદગી સુધરી જશે. અમે ગોપાલની સારી જિંદગીની અપેક્ષા રાખી રહ્યાં હતાં.

જુલાઇ 2015માં ગોપાલને દત્તક લીધા પછી આરતે તેનો જીવન વીમો ઉતરાવ્યો હતો. ગોપાલનું મોત થાય તો વાર્ષિક પ્રિમિયમના 10 ગણી રકમ વીમા પેટે મળવાની તેમાં જોગવાઇ હતી. આ વીમાથી આરતી ધીરને 1,50,000 પાઉન્ડનો લાભ થવાનો હતો.

8 ફેબ્રુઆરી 2017ના રોજ ગોપાલ હરસુખ કારદાની સાથે રાજકોટથી માલિયા હાટિના પરત ફરી રહ્યો હતો ત્યારે મોટર સાઇકલો પર આવેલા બે વ્યક્તિએ હુમલો કર્યો હતો. તેમણે ગોપાલની હત્યા કરી નાખી હતી. ગોપાલને છોડાવવાનો પ્રયાસ કરનાર હરસુખને પણ મોતને ઘાટ ઉતારી દેવાયો હતો. આ મામલામાં ગુજરાત પોલીસે નિતિશ મુંડની ધરપકડ કરી હતી જ્યારે રાયજાદાના પિતાએ કારદાની પરિવારને મોં બંધ રાખવા નાણાની ઓફર આપી હતી.

મુંડે કોર્ટમાં જણાવ્યું હતું કે, રાયજાદાએ ગોપાલની હત્યાનું કાવતરું ઘડ્યું હતું. આરતી અને રાયજાદાએ આ માટે મુંડને 25000 રૂપિયા પણ મોકલી આપ્યાં હતાં. ગોપાલની હત્યા બાદ આરતીએ ક્યારેય તેના પરિવારનો સંપર્ક કર્યો નથી. ગોપાલના મોતથી ફક્ત આરતીને જ આર્થિક લાભ થવાનો હતો.

હજુ આ કેસમાં કોઇને સજા થઇ નથી. મુંડ અને અન્ય 4 શંકાસ્પદને જામીન પર મુક્ત કરી દેવાયાં છે. ઇન્ટરપોલની મદદથી આરતી અને રાયજાદાની ધરપકડ કરાઇ હતી પરંતુ બ્રિટિશ કોર્ટે તેમને ભારત ખાતે પ્રત્યર્પિત કરવાનો ઇનકાર કરી દીધો હતો. બ્રિટિશ કોર્ટને એમ લાગે છે કે આ મામલો સમાપ્ત થઇ ગયો છે પરંતુ ભારતમાં કારદાની પરિવાર ન્યાય ઝંખી રહ્યો છે.

અલ્પા કારદાની કહે છે કે કોઇ અમારી સૂધ લેતું નથી. અમે નથી જાણતા કે બ્રિટિશ સરકાર આ અપરાધીઓને ભારત મોકલશે કે કેમ. અમે બે પરિવારજનને ગુમાવ્યા છે. અમે ન્યાય ઇચ્છીએ છીએ. સાત વર્ષ વીતી ગયાં છે. હું કેવી રીતે ન્યાય વ્યવસ્થામાં વિશ્વાસ કરું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter