લંડનઃ યુકેમાં હજારો વિદેશી કેર વર્કર્સ અત્યારે મોટા સંકટનો સામનો કરી રહ્યાં છે. ગુજરાતી સહિત મોટી સંખ્યામાં ભારતીય કેર વર્કર્સ જે કંપનીઓ માટે કામ કરવા યુકેમાં આવ્યા હતા તેમનું અસ્તિત્વ જ નથી તેવી જાણ થયા પછી તેમાંના ઘણા દેશનિકાલનો સામનો કરી રહ્યાં છે.
નેશનલ કાઉન્સિલ ઓફ ગુજરાતી ઓર્ગેનાઇઝેશન સમક્ષ આ પ્રકારના પાંચ કેસ આવ્યા છે પરંતુ કાઉન્સિલનું માનવું છે કે આવા તો હજારો કેર વર્કર્સ છે જેઓ સામે આવતાં પણ ગભરાઇ રહ્યાં છે. આ ગુજરાતી સહિતના ભારતીય કેર વર્કરોએ તેમના વિઝા મેળવવા માટે કેર કંપની શોધવા માટે ભારતમાં એજન્ટોને તગડી રકમો ચૂકવી છે પરંતુ યુકેમાં આવ્યા પછી તેમને જાણ થઇ છે કે આ પ્રકારની કોઇ કંપની અસ્તિત્વ જ ધરાવતી નથી. હવે કાઉન્સિલ આ માટે હોમ સેક્રેટરી જેમ્સ ક્લેવરલી સમક્ષ રજૂઆત કરવા ઇચ્છે છે અને તે માટે સમય પણ માગવામાં આવ્યો છે.
કાઉન્સિલના સલાહકાર કાન્તિ નાગડાએ જણાવ્યું હતું કે, તેમાં મોટી સંખ્યામાં ગુજરાતીઓનો પણ સમાવેશ થાય છે. અમને મોટી સંખ્યામાં ફરિયાદો મળી રહી છે કે અમે અહીં આવ્યા છીએ પરંતુ અમારી પાસે કોઇ કામ નથી. કંપનીની ઓફિસ તરફથી તેમને કોઇ જવાબ અપાતો નથી. તેમની પાસે કોઇ નોકરી નથી, નાણા નથી અને તેઓ અમારી સમક્ષ આવીને રડી રહ્યાં છે. કેટલાંકને તો દેશનિકાલની નોટિસ પણ મળી ચૂકી છે. આ લોકોએ કોઇ અપરાધ કર્યો નથી તેમ છતાં તેમને દેશનિકાલ કરવામાં આવી રહ્યાં છે.
એનસીજીઓના અંદાજ અનુસાર 2500 જેટલા ભારતીય કેર વર્કર્સ આ ફ્રોડનો શિકાર બન્યાં છે અને તેમાં 1300 ગુજરાતીનો સમાવેશ થાય છે. જેમને દેશનિકાલની નોટિસ અપાઇ છે તેમને અન્ય કંપનીમાં લાયસન્સ ધરાવતી કેર કંપનીમાં નોકરી મળે તો તેમને યુકેમાં રહેવાની પરવાનગી અપાશે. નાગડા કહે છે કે ભાગ્યે જ કોઇ નોકરી મેળવી શક્યું છે કારણ કે એટલી બધી નોકરી ઉપલબ્ધ નથી.
બીજીતરફ બ્રિટનમાં હજારો ભારતીય નર્સોને દેશવાપસીનો સામનો કરવો પડી શકે છે. તેનું કારણ બ્રિટનના વડાપ્રધાન રિશી સુનાક સરકારની નીતિઓ છે. આ મુશ્કેલી બનાવટી કંપનીઓના લીધે સર્જાઈ છે, જેમને સુનાક સરકારે યોગ્ય ચકાસણી કર્યા વિના વિદેશથી આવતી નર્સોને નોકરી પર રાખવાની મંજૂરી આપી હતી. વાસ્તવમાં મોટી રકમ વસૂલ કરી કર્મચારીઓને વિઝા સ્પોન્સર કરનાર આ કંપનીઓ સામે તાજેતરમાં પ્રશાસન દ્વારા તપાસ હાથ ધરાઈ હતી. જેમાં મોટાભાગની કંપનીઓ નકલી હોવાનું પુરવાર થયું હતું. આ મામલે સરકારે કંપનીઓ સામે કાર્યવાહી શરૂ કરી છે, જેથી નર્સોના ભવિષ્ય પર સંકટ સર્જાયું છે. લગભગ 7 હજાર નર્સો પર અસર પડશે. તેમાંથી ભારતની સૌથી વધુ 4,100 નર્સ છે. તમામને દેશમાં પાછા ફરવાની ફરજ પડશે. અધિકારીઓએ તેમને 60 દિવસમાં સ્પોન્સર અથવા અન્ય કંપની શોધવા માટે કહ્યું છે નહીંતર તેમણે બ્રિટન છોડવું પડશે.
પ્રવાસીઓની મદદ કરનારી એનજીઓ ‘માઇગ્રન્ટ્સ એટ વર્ક’ના સ્થાપક અકે અચીના જણાવ્યા અનુસાર, ભારતીયો દેશ છોડીને તકોની શોધમાં લાખોની લોન લઈને અહીં આવે છે. આ તે લોકો છે જે તમામ કાયદા-નિયમોનું પાલન કરે છે. તેમનો કોઈ દોષ ન હોવા છતાં તેમને સજા કરવામાં આવી રહી છે. પહેલા તેઓ લાખોની લોનનો ભોગ બન્યા હતા અને હવે તેઓ સરકારની ભૂલોનો ભોગ બની રહ્યા છે. કેર વર્કર્સ યુનિયનના જનરલ સેક્રેટરી ક્રિસ્ટીના મેકકેનિયાએ જણાવ્યું હતું કે અસહાય કામદારોને અંધકારમાં છોડી દેવા અયોગ્ય છે.
ગુજરાતીઓએ ભારતમાં એજન્ટોને પરમિટ માટે રૂપિયા 12થી 18 લાખ ચૂકવ્યા
એનસીજીઓને ગુજરાતથી આવેલા પાંચ લોકોની ફરિયાદ મળી છે. તેઓ છેલ્લા 6 મહિનાથી કેર સિસ્ટમમાં કામ કરવા લંડન, ઓક્સફર્ડ અને બ્રિસ્ટોલમાં આવ્યા છે પરંતુ બોગસ કંપનીના કારણે તેમની પાસે કામ નથી. તેમણે ગુજરાતમાં એજન્ટોને વર્ક પરમિટ મેળવવા માટે રૂપિયા 12થી 18 લાખ ચૂકવ્યા છે. આ પાંચમાંથી બેને દેશનિકાલની નોટિસ મળી ચૂકી છે કારણ કે તેઓ જે કંપનીના માધ્યમથી અહીં આવ્યા હતા તેમના લાયસન્સ હોમ ઓફિસ દ્વારા રદ કરી દેવાયાં છે. બીજીતરફ ભારતમાં એજન્ટો હાથ ઊંચા કરી રહ્યાં છે. કાન્તિ નાગડા કહે છે કે એજન્ટો પરિવારોને એવો જવાબ આપી રહ્યાં છે કે અમે તમને યુકે પહોંચાડવાનું વચન આપ્યું હતું અને તેઓ યુકેમાં છે. આ પરિવારો દ્વારા નાણા ઉછીના લઇને આ લોકોને યુકે મોકલવામાં આવ્યા છે. જો તેઓ અન્ય ફિલ્ડમાં નોકરી લે તો તે ગેરકાયદેસર ગણાય અને તેમને સરકાર દ્વારા મળતા કોઇ લાભ પણ મળતા નથી.
બ્રિટન ગયેલા ભારતીયો સુનાક સરકારની બેદરકારીનો ભોગ બની રહ્યા છે
બ્રિટનમાં વિદેશીઓને નોકરી પર રાખવા માટે સ્પોન્સર લાયસન્સ જરૂરી છે. સુનાક સરકાર પર કોઈ નક્કર તપાસ વિના અને કામના ટ્રેક રેકોર્ડ વિના સેંકડો કંપનીઓને લાઇસન્સ આપવાનો આરોપ છે. સરકારે 268 કંપનીઓને લાઇસન્સ આપ્યા, જેમણે ક્યારેય ઈન્કમ ટેક્સ રિટર્ન પણ ભર્યું નથી. જે કંપનીઓને લાઇસન્સ આપવામાં આવ્યા હતા તેમાંથી પણ ઘણી નકલી વેબસાઇટ્સ હતી અને નકલી સરનામાં પર નોંધાયેલી હતી.


