આપણા બાળકો ગુજરાતી ભાષાની શાળાઅોમાં જતા બંધ થઇ રહ્યા છે અને અો.સી.આર. પરીક્ષા બોર્ડ ગુજરાતીની જી.સી.એસ.ઈ. અને ‘એ’ લેવલની પરીક્ષાઅો લેવાનું વર્ષ ૨૦૧૬ બાદ બંધ કરવા માટે વિચાર કરી રહ્યું છે ત્યારે અો.સી.આર. તેમજ સરકાર પર દબાણ લાવવા અને જરૂરી ચર્ચા વિચારણા કરવા માટે સંગત સેન્ટર ખાતે ગત તા. ૪ જુલાઇના રોજ યોજાયેલી બેઠકને જોરદાર સફળતા સાંપડી હતી. વિવિધ શહેરો નગરોમાં ગુજરાતી ભાષાના વર્ગો ચલાવતા શાળા સંચાલકો, શિક્ષકો અને અગ્રણીઅોના મત અત્રે રજૂ કર્યા છે. આ પૂર્વે 'ગુજરાત સમાચાર'ના તા. ૧૮-૭-૧૫ના અંકમાં પાન નં. ૨૯ ઉપર આ વિષય પર સચિત્ર અહેવાલ રજૂ થયો હતો.
લુટનના ડો. કિરીટભાઇ મોદીએ જણાવ્યું હતું કે 'અમે લુટનમાં ગુજરાતી ભાષાના પ્રસાર અને શિક્ષણ માટે ખૂબજ જહેમત લીધી છે. પરંતુ આપણે સૌએ ખાસ એક વાત પર ધ્યાન કેન્દ્રિત કરવાનું છે કે શા માટે OCR ગુજરાતી ભાષાની પરીક્ષાઅો બંધ કરવાના નિર્ણય પર આવ્યું? એક સમયે આખા દેશમાંથી GCSEની પરીક્ષા ૨,૦૦૦ વિદ્યાર્થીઅો આપતા હતા આજે માંડ ૬૦૦ વિદ્યાર્થીઅો પરીક્ષા આપે છે. આ સમાજનો પ્રશ્ન છે. બધે વિદ્યાર્થીઅોની સંખ્યા ઘટતી જાય છે. શાળા ચલાવવા માટે આર્થિક પ્રશ્ન પણ સતાવે છે. આપણે દબાણ લાવવું જ પડશે. અમે અભ્યાસક્રમ પણ લખી આપીશું અને જરૂર હશે તો પૈસા પણ લાવી આપીશું પણ ગુજરાતી ભાષાની પરીક્ષાઅો ચાલુ રહેવી જોઇએ.'
લેસ્ટરના સ્પીની હીલ ગુજરાતી પેરેન્ટ્સ એસોસિએશનના ચેરપર્સન અને આ ચર્ચાસભા યોજવા માટે મહત્વપૂર્ણ ભાગ ભજવનાર શ્રીમતી દક્ષાબેન પરમારે જણાવ્યું હતું કે 'સરકારે મુખ્ય પ્રવાહની જે શાળાઅોમાં વધુ સંખ્યા હોય ત્યાં ગુજરાતી વિષય આપવો જોઇએ. અમને પણ નાણાંની તકલીફ પડે છે અને શાળાઅોનું ભાડુ વગેરે વધતા તેની અસર શિક્ષણ અને શાળાઅો પર થાય છે. આપણે ફંડીંગ માટે પણ લડત આપવાની છે. જો આપણાં એમપીઅો અને રાજકીય અગ્રણીઅો દબાણ કરે તો આર્થિક પ્રશ્ન હલ થઇ શકે છે. લેસ્ટર કે હેરો-બ્રેન્ટ-વેમ્બલી જેવા વિસ્તારમાં જો ગુજરાતી ભાષા મુખ્ય પ્રવાહની શાળામાંજ શિખવવામાં આવે તો આપણી સૌની ચિંતા દૂર થઇ શકે તેમ છે. આજ રીતે મુખ્યપ્રવાહની શાળામાં શનિ-રવિ કે અન્ય વારે આપણી કોમ્પલીમેન્ટ્રી શાળાને ક્લાસરૂમની સગવડ કરી આપવામાં આવે તો આપણે બહાર ભાડુ ભરવું પડે છે તે ન ભરવું પડે અને આપણી આર્થિક તકલીફ ઘણી અોછી થઇ શકે છે. GCSE અને A લેવલના પોઇન્ટસ યુકાસમાં મદદરૂપ તો થાય જ છે. સરકાર કોમ્પલીમેન્ટરી શાળા માટે બજેટ આપે તો ખૂબ જ જરૂરી છે.'
વોટફર્ડ ગુજરાતી શાળાના વિભાબેન રાવલે જણાવ્યું હતું કે 'અમે ગત મે માસમાં કડવા પાટીદાર સેન્ટરમાં બેઠક કરી હતી જેમાં ૧૧૮ શિક્ષકો અને લોકો ઉપસ્થિત રહ્યા હતા અને લંડન અને સાઉથ-ઇસ્ટ ઇંગ્લેન્ડ વિસ્તારની ગુજરાતી શાળાઅોના સંગઠન 'કોન્સોર્ટીયમ અોફ ગુજરાતી સ્કૂલ'ની સ્થાપના કરી હતી અને તેના ચેરપર્સન તરીકે મધુબેન કલારીયા તેમજ અન્ય હોદ્દેદારોની વરણી કરાઇ હતી. અમે તે બેઠકમાં સંગઠનની રચના કરી કમીટી બનાવી સદસ્યોને જવાબદારીની સોંપણી પણ કરી છે. ગુજરાતી ભાષા માટે બધાએ મદદ કરવાની જરૂર છે. બધા લોકો સાથે રહે અને સાથે પ્રયત્નો કરશે તો જરૂર સફળતા સાંપડશે.'
હેરોના યુવાન કાઉન્સિલર અમીત જોગીયાએ જણાવ્યું હતું કે 'અત્યારે આપણી શાળાઅોમાં ગુજરાતી શિખવાય તે ખૂબજ જરૂરી છે. કેમ કે મને મારા દાદા-દાદી અને માતા-પિતાએ ગુજરાતી શિખવ્યું હતું. પણ હવે તો માતા પિતાને ખુદને જ ગુજરાતી બોલતા નથી આવડતું ત્યારે બાળક કઇ રીતે ઘરમાં ગુજરાતી બોલશે તે ચિંતાનો વિષય છે. ક્રોસ પાર્ટી પ્લેટફોર્મની પણ જરૂર છે. ગુજરાતી ભાષાના પ્રશ્નને OCR ગંભીરતાથી લેતું નથી પણ આપંણા યુવાનોએ હવે સક્રિય થવું જ પડશે.'
ગુજરાતી પાઠશાળા, લુટનના શ્રીમતી પુષ્પાબેન મિસ્ત્રીએ જણાવ્યું હતું કે 'ગુજરાતી ભણવા માટે માતા પિતા જ બાળકોને ઘણી વખત મોકલતા નથી. લુટન જેવા શહેરમાં ગુજરાતી પરિવારો વહેંચાયેલા હોવાથી મુખ્ય પ્રવાહની શાળાઅોમાં ગુજરાતી શિખવી શકાય તેમ નથી. ઘણી વખત માતા પિતાને જ ગુજરાતી આવડતું હોતું નથી તેથી બાળકની તકલીફો વધે છે. આ આપણા સમાજનો પ્રશ્ન છે અને સમાજ જ તેમાં મહત્વનો ભાગ ભજવી શકે છે. ગુજરાતી સમાજે જાગૃત થવાની જરૂર છે.'
BAPS ગુજરાતી શાળાના અલ્પેશભાઇ પટેલે જણાવ્યું હતું કે 'વધુને વધુ બાળકો ગુજરાતી શાળામાં આવે, ભાષા શિખે તે માટે અપણે ઘણું કરવાની જરૂર છે. આપણે બધા સાથે મળીને પ્રયત્ન કરીશું તો જરૂર સફળતા મળશે.'
સ્વામીનારાયણ મદિર, કિંગ્સબરીના શ્રી ચંદુભાઇ હિરાણીએ જણાવ્યું હતું કે 'આજે આપણા સમાજમાં ગુજરાતી ભાષાની જરૂર શેના માટે છે તે અંગે વિચાર કરીને આપણે લડત લડવી પડશે. મા-બાપને શું જોઇએ છે તેના માટે વિચાર કરવાની જરૂર છે. આજે આપણા શાસ્ત્રો વાંચી શકે તેટલું ગુજરાતી બાળકોને આવડતું હોય તે ખૂબ જ જરૂરી છે.'
કેનન્સ ગુજરાતી શાળાના શ્રીમતી વિજયાબેન ભંડેરીએ જણાવ્યું હતું કે 'આપણા બાળકો શાળા કક્ષાએ જે ગુજરાતી બોલે - સમજે છે તે ખૂબજ પ્રાથમિક કક્ષાનું હોય છે. જો બાળકો 'એ લેવલ' સુધીનો ગુજરાતીનો અભ્યાસ કરે તો જ તેઅો શાસ્ત્રો કે સાહિત્યની સમજ મળે તેટલું ગુજરાતી જાણી શકે. પણ ગુજરાતી ભાષા જળવાઇ રહે, બાળકો બોલી શકે તે માટે ઘરમાં ગુજરાતી જ બોલાવું જોઇએ તેવો નિયમ લેવાય તો ઘણા પ્રશ્નોનો હલ થઇ શકે તેમ છે. બીજી સ્પેનીશ, ફ્રેન્ચ, જર્મન વગેરે ભાષા બોલતા લોકો ઘરમાં તેમની જ ભાષા બોલે છે. તો શા માટે આપણે ઘરમાં ગુજરાતી બોલતા નથી.'
વિશ્વ હિન્દુ પરિષદ, ન્યુહામના સર્વશ્રી ભૂડીયા, જયંતિભાઇ અને વાસંતીબેન મિસ્ત્રીએ મંતવ્યો રજૂ કરતાં જણાવ્યું હતું કે 'હવે જે બાળકો આવે છે તે ખરેખર રસથી ગુજરાતી ભણે છે અને ઘરેથી જ જો ભણાવવાનું શરૂ થાય તો કોઇ જ તકલીફ આવી શકે તેમ નથી. જો આપણી સંસ્કૃતિ જાળવવી હશે તો ગુજરાતી તેનો દરવાજો છે. આપણે ઘરે ઘરે જઇને ગુજરાતી ભાષા ભણવા બાળકો જોડાય તે માટે પ્રચાર કરવો પડશે.'
વિલ્સડન મંદિર ગુજરાતી શાળાના શ્રી પ્રેમજીભાઇ પટેલે જણાવ્યું હતું કે 'સામાજીક સંગઠનોમાં આપણે હંમેશા ગુજરાતી જ બોલાય તેવો આગ્રહ રાખવો જોઇએ. આ બાબતે વાલીઅોએ પણ સક્રિય થઇને ઘરે પણ બને તેટલું વધારે ગુજરાતી બોલવું જોઇએ.'
કિંગસ્ટન અપોન થેમ્સ શાળાના સરોજબેન ચંદારાણા, રેખાબેન અને જતીનભાઇ નગીનભાઇ પટેલે જણાવ્યું હતું કે 'અમારા વિસ્તારમાં આ સમાચાર પ્રસરતા વાલીઅો ગભરાઇ ગયા છે. અમારા વિસ્તારમાં કોઇ વ્યક્તિ ધગશવાી નથી કે અમને ગુજરાતી શાળા અને ભાષા માટે મદદ કરે. અમે શાળાઅોમાં ગુજરાતી શિખવીએ છીએ પણ વાલીઅો ઘરે ગુજરાતીમાં વાત કરતા ન હોવાથી ખૂબજ તકલીફ પડે છે.'
શીશુકુંજ શાળાના શ્રીમતી સોનલબેન શાહે જણાવ્યું હતું કે 'ઘણા મુસ્લિમ પરિવારોમાં પણ ઘરે ગુજરાતી બોલાય છે અને તેઅો પણ બાળકોને ગુજરાતી શિખવવાનો આગ્રહ રાખે છે. તેમને પણ આપણી લડતમાં સાથે લેવા જોઇએ. ગુજરાતી બાહુલ્ય ધરાવતા વિસ્તારોમાં જો મુખ્યપ્રવાહની શાળામાં ગુજરાતીના વિષયને જોડવામાં આવે તો ઘણો જ ફરક પડે તેમ છે. હવે તો ઇન્ટરનેટ પર પણ ઘણાં જ ગુજરાતી જોડકણા, શબ્દોની રમતો, બાળગીતો વગેરે મળી રહે છે.'
SKLPC ગુજરાતી શાળાના શ્રીમતી રાધાબેને જણાવ્યું હતું કે 'અમારે ત્યાં સાડા ત્રણ વર્ષથી માંડીને 'એ લેવલ' સુધીના ૨૦૦ બાળકો અભ્યાસ કરે છે. જો માતા-પિતા નાના બાળકોને શાળાએ મોકલતા હોય તો આપણે તેમને ગુજરાતી શાળામાં લેવા જ જોઇએ. પછી ભલેને આપણે બેબી સીટીંગની ફરજ અદા કરવી પડે. અમારા નાનકડા બાળકો દરરોજ પાંચ શબ્દો શિખીને ઘરે જાય છે અને તે અમારી સફળતા છે. અમારે ત્યાં એક વર્ગમાં ૩-૪ મદદનીશ શિક્ષકો હોય છે.'

