લંડનઃ ડર્બીશાયરમાં રહેતી ગુજરાતી યુવતી રેખાબહેન પટેલનો વિચિત્ર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પાડેશી સાથે કાનૂની યુદ્ધના કારણે જ તેમણે પોતાના ૨૫૦,૦૦૦ પાઉન્ડ (૧.૩૪ કરોડથી વધુ)ની કિંમતના છ વર્ષ જૂના મકાનને માત્ર બે પાઉન્ડ (૧૭૦ રૂપિયા)માં વેચી દીધું છે. તેમને પોતાના ડ્રીમ હોમ ‘પટેલ કોટેજ’માંથી કાઢી ન મૂકાય તે માટે તેમાં ભાડેથી રહેવાનું પસંદ કર્યું છે. ઓક્ટોબર ૨૦૧૧માં આ મકાનના રિનોવેશન સમયે પાડોશી ફ્રાન્સિસ બ્રેર્લીએ તેના મકાનને ડેમેજ થવાનો દાવો કર્યો હતો. કોર્ટ દ્વારા નુકસાની અને કાનૂની ખર્ચ તરીકે ૭૬,૦૦૦ પાઉન્ડ વસૂલ કરવા મકાન વેચવાનો આદેશ આપ્યો હતો.
મેથેમેટિક્સની શિક્ષિકા ૪૩ વર્ષીય રેખાબહેન પટેલે ‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઈસ’ સાથે વાતચીતમાં આટલી મોટી કિંમતનું મકાન માત્ર બે પાઉન્ડમાં જ શા માટે વેચવાની ફરજ પડી તે જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે,‘મેં ડર્બીશાયરના ગ્લોસોપના સિમન્ડલી ગામમાં ૨૦૧૦માં બે બેડરૂમ ધરાવતુ જર્જરિત મકાન ખરીદ્યું હતું. મારે તેને ડ્રીમ હોમ બનાવવું હતું પરંતુ, તે મારું સૌથી ખરાબ દુઃસ્વપ્ન બની ગયું. રિનોવેશન દરમિયાન મારાં બિલ્ડરે કોટેજની નવી છત બનાવવા જૂની છત બદલી હતી ત્યારે અમારી સહિયારી ત્રિકોણીય દિવાલનો કળાકૃતિ જેવો સ્ટોન્સ તૂટી ગયાનો આક્ષેપ લગાવ્યો હતો. નેશનલ ટ્રસ્ટની ઐતિહાસિક તસવીરો તેણે જેના પાસેથી આ મકાન ખરીદ્યું હતું તે એસ્ટેટ એજન્ટ્સ પણ કહે છે કે આવા‘ શિલ્પ સ્ટોન્સ કદી હતાં જ નહિ.’
તેમણે ૧૭૧૯માં બંધાયેલા, લગભગ ૩૦૦ વર્ષ જૂના જર્જરિત મકાનનું રિનોવેશન કરાવી ૨૦૧૧માં પોતાનું ડ્રીમ હોમ બનાવવા પાછળ ૨૫ લાખ રૂપિયા જેટલો ખર્ચો કર્યો હતો. પાડોશી ફ્રાન્સિસ બ્રેર્લીના કેસમાં કોર્ટે ફરમાવેલા દંડની રકમ હપ્તાથી ચુકવવા જણાવ્યું હતું. જોકે, કોર્ટ સંમત થઈ ન હતી. નાણા ન ચૂકાવી શકાતા કોર્ટે તેને ઘરમાંથી નીકળી જવાનો આદેશ આપ્યો તો રેખાએ તેમના બે સગાંની કંપનીઓને જ માત્ર બે પાઉન્ડમાં આ ઘર વેચી દીધું હતું. આ જ ઘરમાં રહેવા ઈચ્છતી રેખાએ ઘર ૧૦ વર્ષની લીઝ પર ભાડે લઈ લીધું છે અને હવે તે દર મહિને ૪૨૦૦ રૂપિયા ભાડું ભરશે.મકાન વેચવાનું કારણ જણાવતાં તેઓ કહે છે કે, મનાઈ હુકમ અરજી દ્વારા પાડોશી તેને ઘરવિહોણી કરવાના પ્રયાસો કરી રહી હતી, જેથી રેખા અને તેના ફ્રેન્ડ મકાનમાં જઈ શકતાં ન હતાં.
લંડનમાં જન્મેલી અને મૂળ નવસારી જિલ્લાના અવડા ફળિયા ગામની ગુજરાતી યુવતી રેખા પટેલે BSc, MSc અને PGCEનો અભ્યાસ કરેલો છે. તેમના માતાપિતા જેરામભાઈ નાનાભાઈ પટેલ અને નીરુબહેન જેરામભાઈ પટેલ ભારતમાં જ રહે છે, જ્યારે તેમના બે ભાઈ યુકેમાં રહે છે. રેખા છેલ્લે ૨૦૧૫માં ગુજરાત આવી હતી. હાલ રેખા તેના પોતાના ડ્રિમ હોમમાં રહે છે જેને તેણે નામ આપ્યું છે. ભગવાન કૃષ્ણમાં અટલ શ્રદ્ધા ધરાવતાં રેખાબહેન કહે છે કે આ યુદ્ધમાં ઈશ્વર તેમની સાથે જ છે.


