લંડનઃ ભારતમાં આપણે કેરીને ફળોનો રાજા ગણીએ છીએ. તેવી જ રીતે યુકેના ભારતીય સમુદાય અને સાઉથ એશિયન ડાયસ્પોરામાં કેરી અત્યંત લોકપ્રિય છે. તેઓ કેરી માટે સેંકડો પાઉન્ડ ખર્ચી નાખતા ખચકાતા નથી. સ્પ્રિંગ અને સમરના થોડા મહિના દરમિયાન યુકેમાં મોટાપાયે કેરીની આયાત કરાય છે. સાઉથ એશિયામાં ખેડૂતો માટે કેરી રોકડિયો પાક ગણાય છે, જ્યારે યુકેમાં તેની કિંમતો આસમાને હોય છે.
યુકેમાં સાઉથ એશિયન બહુલ વિસ્તારોમાં ગ્રોસરી સ્ટોર્સ દ્વારા કેરીનું વેચાણ કરાય છે. લેસ્ટરના શિવમ પબારી કહે છે કે સીઝનમાં એક વીકએન્ડમાં અમે કેરીના 600 બોક્સનું વેચાણ કરીએ છીએ. ભારતીયો સહિત સાઉથ એશિયનોમાં કેરી એટલી લોકપ્રિય છે કે મોંઘી હોવા છતાં આસ્વાદ માણવાનું ચૂકતા નથી. કોવેન્ટ્રીની સુરભી ભાવે કહે છે કે અમે દર વર્ષે કેરી પાછળ 150 પાઉન્ડ તો ખર્ચી જ નાખીએ છીએ.
આમ તો કેરીની ઘણી વેરાઇટી આવે છે પરંતુ કેસર અને આલ્ફોન્સો ડાયસ્પોરામાં સૌથી લોકપ્રિય છે. પબારી કહે છે કે લેસ્ટરમાં 34 ટકા વસતી ગુજરાતીઓની છે અને કેસર કેરીનું સૌથી વધુ ઉત્પાદન પણ ગુજરાતમાં જ થાય છે. કેસર કેરી ગુજરાતી સંસ્કૃતિનો મહત્વનો હિસ્સો છે.
જોકે કેરીનો સ્વાદ યુકેમાં મોંઘો પડે છે. 12 કેરી ધરાવતા એક બોક્સ માટે સરેરાશ 25 પાઉન્ડ ઢીલા કરવા પડે છે. સીઝનની શરૂઆતમાં કેરીના ભાવ આસમાને હોય છે પરંતુ ધીમે ધીમે ઘટવા લાગે છે. કેસર કેરીના એક બોક્સ માટે 18 પાઉન્ડ ચૂકવવા પડે છે. આ ભાવ વિસ્તાર અને માગ પ્રમાણે બદલાતાં રહે છે. નોટિંગહામમાં પાંચ કેરીના બોક્સ માટે 7.98 પાઉન્ડ ખર્ચવા પડે છે. ઇસ્ટ મિડલેન્ડ્સમાં કેસર કેરીના એક નંગના 2 પાઉન્ડ ખર્ચવા પડે છે.
2014માં નુકસાનકારક જંતુનાશકોના કારણે ભારતીય કેરીની આયાત પર પ્રતિબંધ મૂકતાં યુકેમાં પણ પ્રતિબંધ લદાયો હતો. 2015માં સ્થાનિક વેપારીઓના દબાણને વશ થઇને પ્રતિબંધ હટાવી લેવાયો હતો.