લંડનઃ કોઈ વ્યક્તિ પેન્શન માટે ૨૫ વર્ષ સુધી માસિક ૮૦૦ પાઉન્ડની બચત કરતી હોય તેને તેમના વતી ખરીદ અને વેચાણ કરાતા શેરો માટે ૬૬,૭૦૦ પાઉન્ડની રકમ છુપી ફી તરીકે ગુમાવવી પડે છે. બચતકારોને તેમના પેન્શન્સ માટે બમણો ખર્ચ કરવો પડે છે. સરકારી રિપોર્ટમાં સૌપ્રથમ વખત કંપની પેન્શનમાં રોકાણ કરવાના સાચા ખર્ચની માહિતી આપવામાં આવી છે. ચાર્જીસ પરના ૦.૭૫ ટકાની મર્યાદાથી બચતકારોનું રક્ષણ થતું હોવાનો સરકારનો દાવો બકવાસ છે તેમ સરકારી આંકડા જ જણાવે છે.
અભ્યાસમાં જણાવાયું છે કે મેનેજમેન્ટ ફીમાં વાર્ષિક ૦.૭૫ ટકાની મર્યાદાથી બચતકારોનું રક્ષણ કરાતું હોવાં છતાં તેમને મોટા ભાગે વધુ ૦.૭૫ ટકા છુપી ફી તરીકે ચુકવવા પડે છે. ઘણા કિસ્સામાં તો બચતકારોની જાણ વિના જ તેમના ફંડમાંથી વાર્ષિક વધારાના એક ટકાના ચાર્જથી ધોવાણ થઈ જાય છે. વર્ક્સ એન્ડ પેન્શન્સ વિભાગના જણાવ્યા મુજબ આ ખર્ચ શેરોનાં ખરીદ-વેચાણ સાથે સંકળાયેલો છે. રિપોર્ટ અનુસાર પેન્શન પ્રોવાઈડર્સ સ્ટોકબ્રોકરના કમિશન, ફોરેન એક્સચેન્જ અને ટેક્સનો ખર્ચ પણ બચતકારોના માથે લાદી દે છે.
વર્ક્સ એન્ડ પેન્શન્સ વિભાગના પ્રવક્તાએ કહ્યું હતું કે મિનિસ્ટર્સ રોકાણકારોના ફંડમાંથી છુપાં ચાર્જીસ ઘટાડવાના પગલાં વિચારશે. નોકરીદાતાએ ૨૦૧૨થી તેમના સ્ટાફની પેન્શનમાં આપમેળે નોંધણી કરવાની ફરજ પડાઈ છે. ફંડમાં મૂકાતા આ નાણાનો વહીવટ પ્રોફેશનલ્સ કરે છે અને તેનું સ્ટોક માર્કેટમાં રોકાણ કરાય છે. એપ્રિલમાં સુધારાયેલાં નિયમો મુજબ બચતકારો ઊંચા વળતરની તક આપતાં ખર્ચાળ રોકાણોમાં નાણા મૂકવાની માગણી ન કરે તે સિવાય તેમની પાસેથી ૦.૭૫ ટકાથી વધુ ચાર્જ વસૂલ કરી શકાતો નથી. જોકે, આ મર્યાદામાં મેનેજર શેરના ખરીદ-વેચાણ કરે ત્યારે ‘ટ્રાન્ઝેક્શન ખર્ચ’ વસૂલવાનો સમાવેશ થતો નથી.
પેન્શન કંપનીઓ બચાવમાં કહે છે કે દરેક બચતકાર દર વર્ષે ‘ટ્રાન્ઝેક્શન ખર્ચ’ કેટલો ચુકવે છે તેની ગણતરી મુશ્કેલ છે. સંશોધકોએ એપ્રિલ ૨૦૧૫માં નોકરીદાતાઓ દ્વારા તેમના ૯.૪ મિલિયન કર્મચારીને ઓફર કરાતી ૧૦૬,૦૦૦ વર્કપ્લેસ યોજનાઓ ચલાવતા ૧૨ પેન્શન પ્રોવાઈડર્સને પ્રશ્નો પૂછ્યાં હતાં. તેમાં જાણવા મળ્યું હતું કે બચતકારો તેમણે ફંડમાં મૂકેલા દર ૧૦૦ પાઉન્ડ સામે એક વખતની ફી તરીકે ૪૦ પેન્સ ગુમાવે છે.


