લંડનઃ મેટ્રોપોલીટન પોલીસના વરિષ્ઠ ઓફિસર વેમ્બલીની મહિલા સાઈમા અહમદ ગુમ થવાના કેસની તપાસમાં ગેરવર્તનની સુનાવણીનો સામનો કરી રહ્યા છે. સાઈમા અહમદ ૨૦૧૫ની ૩૦ ઓગસ્ટની સવારે ગુમ થઈ હતી અને પાંચ મહિના પછી ગયા વર્ષે તેનો મૃતદેહ એડિનબરાની બહાર ગોલ્ફ કોર્સ પર મળી આવ્યો હતો. તેનું મોત હજુ રહસ્યમય જ છે.
સાઈમા અહમદ ગુમ થવાના કેસની તપાસ કરી રહેલા એક્ટિંગ ડીટેક્ટિવ ચીફ ઈન્સ્પેક્ટર પ્રોફેશનલ ધોરણોનો ભંગ કરવાના આક્ષેપ સાથે ગેરવર્તન સુનાવણીનો સામનો કરશે. મૃત મહિલા છેલ્લે ક્યાં જોવા મળી હતી તે સંબંધિત તપાસ કરવામાં તેઓ અને તેમની ટીમ નિષ્ફળ રહી તે મુદ્દે તેમણે જવાબ આપવો પડશે. સાઈમાએ વોટફર્ડ જંક્શન માટેની લંડન ઓવરગ્રાઉન્ડ ટ્રેન પકડી હતી તે વેમ્બલી સેન્ટ્રલ સ્ટેશનના સીસીટીવી ફૂટેજમાં દેખાયું હતું. આ ઉપરાંત, વેમ્બલી હાઈ રોડ પરના એટીએમમાંથી નાણા ઉપાડતી પણ ફૂટેજમાં જોવાઈ હતી. આ પછી, તેની હિલચાલની કોઈ જાણકારી પ્રાપ્ત થઈ ન હતી. તેના વેમ્બલીના ઘરથી ૪૦૦ માઈલના અંતરે તેનો મૃતદેહ મળ્યો હતો, જ્યાં તેના કોઈ સંગાંસંબંધી કે મિત્રો પણ રહેતા ન હતા.
પોલીસ ટીમ દ્વારા આ મુદ્દે આગળ તપાસ કરવામાં આવી ન હતી. બે પોલીસ કોન્સ્ટેબલ પણ તેમના વર્તનનો યોગ્ય ખુલાસો કરી શક્યા નથી.


