જ્યોર્જટાઉનઃ કિંગ ચાર્લ્સ તૃતીય આગામી સપ્તાહે કેરેબિયન પ્રવાસે જઈ રહ્યા છે ત્યારે દક્ષિણ અમેરિકી દેશ ગુયાનાના પ્રેસિડેન્ટ ઈરફાન અલીએ ગુલામોના વેપારમાં યુકેની શરમજનક ભૂમિકાના મુદ્દે કિંગ પાસેથી સત્તાવાર માફી અને વળતરની માગણી ઉઠાવી છે.
બ્રિટિશ રાજદ્વારીઓ અને દરબારીઓ કિંગના કેરેબિયન પ્રવાસની આખરી તૈયારી કરી રહ્યા છે ત્યારે ટ્રાન્સએટલાન્ટિક ગુલામ વેપાર સાથે બ્રિટન અને શાહી પરિવારને સાંકળતું ગુયાનાના પ્રેસિડેન્ટનું નિવેદન સમસ્યા બન્યું છે. કિંગ ચાર્લ્સના પ્રવાસમાં બીજુ જ સ્થળ ગુયાના છે. ગુયાનાના પ્રેસિડેન્ટે જણાવ્યું છે કે ભૂતકાળમાં કરાયેલા ખોટા કાર્ય માટે માફી માગવી મહત્ત્વનું પગલું ગણાશે.
ગુયાનાના પ્રેસિડેન્ટથી માંડી પૂર્વ પ્લાન્ટેશન વર્કર સુધીના સહુનો એક જ મત જણાય છે કે બ્રિટને ઐતિહાસિક અન્યાય માટે દેશની માફી માગવી જોઈએ. જોકે, શાહી સલાહકારોએ સ્પષ્ટ કર્યું છે પ્રવાસ દરમિયાન કિંગ ચાર્લ્સ ઐતિહાસિક ભૂલો થયાનું સ્વીકારશે પરંતુ કોઈ પ્રકારની માફી માગશે નહિ. જો બ્રિટન ગુયાનાની માફી માગે તો સંખ્યાબંધ સંસ્થાનો આવી જ માગણી ઉઠાવશે કારણકે બ્રિટને વિશ્વના 90 ટકા દેશોમાં સંસ્થાનો ઉભા કર્યા હતા કે યુદ્ધો કર્યા હતા.


