લંડનઃ ઇંગ્લેન્ડથી ભારતના પંજાબમાં દેશનિકાલનો સામનો કરી રહેલા 78 વર્ષીય મહિલા ગુરમીત કૌરને વ્યાપક સામુદાયિક સમર્થન હાંસલ થઇ રહ્યું છે. કૌર ઇંગ્લેન્ડમાં રહી શકે તે માટે હજારો લોકો લડતમાં જોડાઇ રહ્યાં છે અને આ માટેની ઓનલાઇન પીટિશન પર 65000 કરતાં વધુ લોકોએ હસ્તાક્ષર કર્યાં છે. 2009માં એક લગ્ન પ્રસંગમાં હાજરી આપવા ઇંગ્લેન્ડ આવેલા કૌર ત્યારબાદ અહીં જ રહી ગયાં હતાં. આટલા વર્ષો પછી તેમને દેશ છોડી જવા અથવા તો દેશનિકાલનો સામનો કરવા ચેતવણી આપવામાં આવી હતી. તેમના દેશનિકાલના આદેશ સામે 2020થી વી આર ઓલ ગુરમીત કૌર નામનું અભિયાન શરૂ કરાયું છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગુરમીત કૌરનો કોઇ પરિવાર યુકેમાં કે ભારતના પંજાબમાં રહેતો નથી. તેથી સ્મેથવિકના સ્થાનિક શિખ સમુદાયે તેમને દત્તક લીધાં છે. ઓનલાઇન પીટિશનમાં જણાવવામાં આવ્યું છે કે ગુરમીત કૌર મોટા ભાગનો સમય સ્થાનિક ગુરુદ્વારામાં સેવા આપવામાં ગુજારે છે.


