ગુલામોની હેરફેરમાં હિસ્સેદાર બનવા માટે ચર્ચ ઓફ ઇંગ્લેન્ડને પસ્તાવો

ગુલામીના શિકાર સમુદાયોના ઉત્કર્ષ માટે 100 મિલિયન પાઉન્ડની ફાળવણી કરશે

Wednesday 18th January 2023 06:52 EST
 
 

લંડન

ચર્ચ ઓફ ઇંગ્લેન્ડે ભૂતકાળમાં થયેલી ભૂલો સુધારવા માટે 100 મિલિયન પાઉન્ડનું ભંડોળ આપવાની જાહેરાત કરી છે. ભૂતકાળમાં ચર્ચ ઓફ ઇંગ્લેન્ડનું ભંડોળ ગુલામીને પ્રોત્સાહન માટે વપરાયું હોવાની ઐતિહાસિક લિન્ક મળી આવતાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ ભંડોળનો ઉપયોગ ગુલામીના કારણે અસરગ્રસ્ત થયેલા સમુદાયો અને અન્ય તમામના સારા ભવિષ્ય માટે ઉપયોગમાં લેવાશે. ગયા વર્ષે જારી કરાયેલા રિપોર્ટમાં બહાર આવ્યું હતું કે, ગુલામોની હેરફેર કરતી કંપનીમાં ચર્ચ દ્વારા મોટી રકમનું ઇન્વેસ્ટમેન્ટ કરાયું હતું. આર્ચબિશપ ઓફ કેન્ટરબરી જસ્ટિન વેલ્બીએ જણાવ્યું હતું કે, આ શરમજનક ભૂતકાળને ભૂંસી નાખવા માટે પગલાં લેવાનો સમય આવી ગયો છે.

વેલ્બીએ ચર્ચના વચગાળાના રિપોર્ટના તારણોને જૂન 2022માં શરમજનક ગણાવ્યા હતા. ચર્ચ કમિશ્નરો દ્વારા તૈયાર કરાયેલા રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે, ચર્ચના ઇન્વેસ્ટમેન્ટ ફંડે 1777માં ગુલામોની હેરફેર કરતી સાઉથ સી કંપનીમાં 4,06,942 પાઉન્ડનું રોકાણ કર્યું હતું. કંપની દ્વારા તે સમયગાળામાં 34000 ગુલામોની અમાનવીય સ્થિતિમાં હેરફેર કરાઇ હતી.

ચર્ચ કમિશ્નરોએ ગયા સપ્તાહમાં જાહેરાત કરી હતી કે આ ભૂલનો સ્વીકાર કરતાં ચર્ચ દ્વારા 100 મિલિયન પાઉન્ડનું ભંડોળ ફાળવવાનો નિર્ણય લેવાયો છે. આ ભંડોળનો ઉપયોગ ગુલામીનો શિકાર બનેલા સમુદાયોના ઉત્કર્ષ અને મદદ માટે કરાશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter