લંડનઃ એક ગેંગસ્ટર પર થયેલા જીવલેણ હુમલા બાદ શૂટરને શોધી કાઢવામાં તેને મદદ કરનાર ક્રિમિનલ ડિફેન્સ બેરિસ્ટરને ત્રણ વર્ષ અને ત્રણ મહિનાની જેલની સજા સંભળાવવામાં આવી છે. પોલીસે જણાવ્યું હતું કે 38 વર્ષીય સમરીન અખ્તરે લીગલ પ્રોફેશનના ધોરણોનું ઉલ્લંઘન કર્યું છે. સપ્ટેમ્બર 2021માં હડર્સફિલ્ડમાં બનેલી એક ઘટનામાં અખ્તરના અસીલ તાબિશ અલી પર ગોળીબાર થયો હતો. આ ઘટનાના બીજા જ દિવસે અલી સાથેની ટેલિફોનિક વાતચીતમાં સમરીન અખ્તર હુમલો કરનાર વ્યક્તિને શોધીને તેને નુકસાન પહોંચાડવાની યોજના ઘડતા રેકોર્ડ થયા હતા.
સમરીન અખ્તરની ફેબ્રુઆરી 2022માં ધરપકડ કરવામાં આવી હતી અને માર્ચ 2023માં સીરિયસ ક્રાઇમ એક્ટ 2007 હેઠળ ઇરાદાપૂર્વક ગંભીર શારીરિક અજા પહોંચાડવાના ગુના માટે ઉશ્કેરણી અથવા મદદ કરવા બદલ ગુનાહિત આરોપો ઘડાયા હતા. દોષિત ઠેરવાયા બાદ, 2010માં બેરિસ્ટર તરીકે સનદ મેળવનાર સમરીન અખ્તરને બાર સ્ટેન્ડર્ડ્સ બોર્ડ દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

