લંડનઃ સિવિલ એવિએશન ઓથોરિટી દ્વારા દેશના ૨૪ એરપોર્ટ્સના અભ્યાસમાં લંડન એરપોર્ટ્સ નબળાં સાબિત થયાં છે. ગેટવિક અને લુટન સૌથી ખરાબ બ્રિટિશ એરપોર્ટ્સ હોવાનું તારણોમાં બહાર આવ્યું છે. ગત ઉનાળામાં ગેટવિકથી ઉપડતી ૪૩ ટકા ફ્લાઈટ્સ મોડી પડી હતી. આ પછી, લુટન, જર્સી અને હીથ્રોનો ક્રમ હતો. માત્ર ૧૬ ટકા ફ્લાઈટ્સના ઉડ્ડયન મોડાં થવાં સાથે લીડ્ઝ બ્રેડફર્ડ એરપોર્ટ સૌથી શ્રેષ્ઠ રહ્યું હતું.
અભ્યાસ અનુસાર ૨૦૧૫ના સૌથી વ્યસ્ત ઉનાળામાં ગેટવિકથી ઉપડતી ૪૩ ટકા ફ્લાઈટ્સ ૧૫ અથવા તેથી વધુ મિનિટો માટે મોડી પડી હતી, જ્યારે લુટન એરપોર્ટ પરથી ૩૨ ટકા ડીપાર્ચરમાં વિલંબ થયો હતો. સૌથી વ્યસ્ત પાંચ એરપોર્ટ્સમાંથી ત્રણ લંડનના છે, જ્યાં ફ્લાઈટમાં વિલંબ વધુ લાંબો અને અવારનવાર થતો રહ્યો છે.
જર્સી એરપોર્ટની ૩૦ ટકા, બ્રિટનના સૌથી વ્યસ્ત હીથ્રો એરપોર્ટની ૨૯ ટકા અને માન્ચેસ્ટર એરપોર્ટની ૨૭ ટકા ફ્લાઈટ્સ મોડી પડે છે. સમગ્ર દેશની વાત કરીએ તો ૨૭ ટકા ફ્લાઈટ્સ મોડી ઉડ્ડયન કરે છે. ગેટવિક એરપોર્ટથી મોડી પડતી ફ્લાઈટ્સની સરેરાશ ૨૩ મિનિટની છે, જ્યારે લુટન અને જર્સીથી ૧૭ મિનિટ મોડાં ઉડ્ડયનો થાય છે અને હીથ્રો, માન્ચેસ્ટર અને ગ્લાસગો એરપોર્ટથી ઉડ્ડયનોમાં સરેરાશ ૧૫ મિનિટનો વિલંબ થાય છે.
ગેટવિક એરપોર્ટના પ્રવક્તાએ વિલંબ માટે યુરોપિયન એરસ્પેસ પરની ભીડ, એર ટ્રાફિક કન્ટ્રોલ હડતાળો અને નબળાં હવામાનને કારણભૂત ગણાવ્યા હતા. હવાઈ પ્રવાસ માટે ૨૦૧૫ના ઉનાળાની સીઝન અભ્યાસમાં સમાવિષ્ટ ૨૪ એરપોર્ટથી ૭૮ મિલિયનથી વધુ પ્રવાસીની અવરજવરના સંદર્ભે વિક્રમી હતી.


