લંડનઃ હીથ્રો પછીના સૌથી વધુ અવરજવર ધરાવતા ગેટવિક એરપોર્ટ પર બુધવાર અને ગુરુવારે રાત્રે ડ્રોન દેખાયા પછી સર્જાયેલી ભારે અરાજકતા પછી એરપોર્ટના રનવેને ૨૧ ડિસેમ્બરે ખુલ્લો મૂકાયો હતો અને મર્યાદિત ફ્લાઈટ્સનું ઉડ્ડયન થયું હતું. જોકે, ક્રિસમસની રજા માણવા નિકળેલા હજારો પેસેન્જર હજુ પણ અવ્યવસ્થામાં અટવાયા છે. ગુરુવાર, ૨૦ ડિસેમ્બરે ગેટવિક પરની તમામ ૭૬૦ ફ્લાઈટ રદ કરવામાં આવી હતી અને પરિણામે ૧૧૦,૦૦૦ પ્રવાસીઓ રઝળી પડ્યા હતા. યુકેના ઈતિહાસમાં એરપોર્ટની કામગીરી ખોરવી નાખનારી ખરાબ ઘટનાનો સામનો કરવા આર્મી દ્વારા એરપોર્ટ પર સ્પેશિયાલિસ્ટ એન્ટિ-ડ્રોન શસ્ત્રો ગોઠવવામાં આવ્યાં છે.
વડા પ્રધાન થેરેસા મેએ આ ઘટનાને બેજવાબદાર અને અસ્વીકાર્ય ગણાવી સખત વખોડવાં સાથે ડ્રોન ગેરકાનુની રીતે ઊડી રહ્યાંનું જણાવ્યું હતું. ડ્રોનના ઓપરેટર પર લાગતા ગુના અંગે કાયદો સ્પષ્ટ નથી તેમ પણ તેમણે ઉમેર્યું હતું. ટ્રાન્સપોર્ટ સેક્રેટરી ક્રિસ ગ્રેલિંગે સ્વીકાર્યું હતું કે એરપોર્ટ પર અનેક વખત ડ્રોન ઉડવા પાછળ કોઈ ગેન્ગનો હાથ હોઈ શકે છે. સત્તાવાળાઓએ જણાવ્યું હતું કે ગુરુવારે રાત્રે પણ ડ્રોન આખી રાત રનવે નજીક જોવામાં આવ્યાં હતાં પરંતુ, ગત થોડા કલાકોમાં આવી કોઈ ઘટના નજરે આવી નથી. બુધવારે રાત્રે નવ વાગ્યાથી ગુરુવારની રાત સુધીમાં ઓછામાં ઓછી ૫૦ વખત ડ્રોન જોવા મળ્યાં હતાં. એરપોર્ટના રન-વે પર ફેન્સિંગ નજીક બુધવારે રાત્રે બે ડ્રોન ઉડતાં નજરે પડતાં સલામતી માટે રન-વે તત્કાળ બંધ કરાયા હતા.
ગેટવિક એરપોર્ટ પર આવી રહેલા વિમાનોને લંડનના હીથ્રો, બર્મિંગહામ, માંચેસ્ટર ગ્લાસગો, પેરિસ વિગેરે સ્થળે ડાયવર્ટ કરાયા હતા. ગુરુવારે ગેટવિક એરપોર્ટ પર હજારો પ્રવાસી કલાકો સુધી બેસી રહ્યા હતા. બ્રિટનના નાગરિક ઉડ્ડયન સત્તાવાળાઓએ જણાવ્યું હતું કે આ અસામાન્ય સંજોગો છે અને પ્રવાસીઓને વળતર ચૂકવવા એરલાઈન્સ જવાબદાર નથી. પોલીસ આ સંભવિત પર્યાવરણીય હુમલા પાછળના ‘ઈકો-વોરિયર’ પાયલટ અથવા હુમલાખોરને શોધવા માટે આકાશપાતાળ એક કરી રહી છે.
એરપોર્ટ સત્તાવાળાના માનવા અનુસાર અરાજકતા સર્જવા માટે જ આ ડ્રોન હુમલો હોઈ શકે છે. મોટા સાઈઝનું ડ્રોન હોય તો તે જેટના એન્જિનમાં ઘૂસી જાય અથવા વિમાનમાં કાણું પાડી શકે તો તેને તોડી પાડી શકે છે. શુક્રવારે સવારથી ૫૫ ફ્લાઈટ્સે ટેક-ઓફ કર્યું હતું, જ્યારે ૭૦ ફ્લાઈટ્સ આવી હતી. ક્રિસમસનો તહેવાર છે ત્યારે ૧૪૬ ફ્લાઈટ હજુ રદ છે અને બેકલોગ દૂર કરવા ૭૦૦ ફ્લાઈટ્સને રીશિડ્યુલ કરાઈ રહી છે.


