લંડનઃ શાળાની વિદ્યાર્થિનીઓને લક્ષ્યાંક બનાવીને તેમના પર બળાત્કાર કરનાર ગેટ્સહેડની ગ્રૂમિંગ ગેંગના પાંચ સભ્યોને 18 મહિનાથી 14 વર્ષની કેદની સજા ફટકારવામાં આવી છે. આ નરાધમો તેમના શિકારને આલ્કોહોલ અને ડ્રગ્સ માટે લલચાવીને બળાત્કાર ગુજારતા હતા.
ન્યૂકેસલ ક્રાઉન કોર્ટમાં 8 સપ્તાહની સુનાવણી બાદ પાંચેય આરોપીને વર્ષ 2014થી 2019 વચ્ચે કરેલા 30 અપરાધો માટે દોષી ઠેરવાયા હતા. પીડિત સગીરાઓ 13થી 16 વર્ષની હતી. અપરાધીઓમાં પાંચ રોમાનિયન અને એક આલ્બેનિયનનો સમાવેશ થાય છે.
અદાલતે 44 વર્ષીય બોગદન ગ્યુજિયુમેનને 14 વર્ષ, કોડરિન ડ્યુરાને 13 વર્ષ, ક્લાઉડિયો એલેક્સિયુને 6 વર્ષ, લિઓનાર્ડ પૌનને પાંચ વર્ષ અને એક મહિનો તેમજ સ્ટિફાન સિરારુને 18 મહિનાની કેદની સજા આપી હતી.


