ગેમ્બલિંગ ટાઈકૂન મહિલા ડેનિસ કોટ્સ વિશ્વમાં સૌથી વધુ વેતન મેળવનાર સીઈઓ

Wednesday 07th April 2021 02:47 EDT
 
 

લંડનઃ ઓનલાઈન બેટિંગ પ્લેટફોર્મ Bet365ની ૫૩ વર્ષીય ગેમ્બલિંગ ટાઈકૂન મહિલા ડેનિસ કોટ્સે દલા તરવાડીની માફક પોતાને જ ૪૬૯ મિલિયન પાઉન્ડના વાર્ષિક પગારની ખેરાત કરી છે, જે યુકેના ઈતિહાસમાં સૌથી વધુ વેતન છે. આલ્ફાબેટ (ગૂગલ)ના સીઈઓ સુંદર પિચાઈ,એલન મસ્ક, ટિમ કૂક અને સત્યા નડેલાને પણ તેણે પાછળ પાડી દીધા છે. ડેનિસે તેના વેતનમાં ૪૫ ટકાનો વધારો જાહેર કરાયો તેની સાથે ૨૦૧૬થી તેની કુલ કમાણી ૧.૩ બિલિયન પાઉન્ડના જંગી આંકડે પહોંચી ગઈ છે. Bet365 દ્વારા મિસિસ કોટ્સના ભાઈ જ્હોન સહિત સીનિયર મેનેજર્સને કુલ ૬૦૭ મિલિયન પાઉન્ડનો વાર્ષિક પગાર આપ્યો છે.

ઓનલાઈન બેટિંગ પ્લેટફોર્મ Bet365ની સ્થાપક અને સીઈઓ ડેનિસ કોટ્સ બ્રિટનની બ્લૂમબર્ગ વેલ્થ ઈન્ડેક્સમાં પણ સામેલ સૌથી શ્રીમંત મહિલા છે. એપ્રિલ ૨૦૧૯થી માર્ચ ૨૦૨૦ સુધીમાં તેણે અંદાજે દૈનિક ૧.૩ મિલિયન અથવા પ્રતિ કલાક ૫૪,૦૦૦ પાઉન્ડના હિસાબે કમાણી કરી છે અને બ્રિટનના વડા પ્રધાન જે કમાણી કરે છે તેની ૨,૩૬૦ ગણી રકમ ઘરમાં લઈ ગઈ છે. આનાથી મોટી વાત એ પણ કહી શકાય કે બ્રિટનમાં નોંધાયેલી ૧૦૦ સૌથી મોટી કંપનીઓના ચીફ એક્ઝિક્યુટિવ્ઝના સંયુક્ત પગાર કરતાં પણ ડેનીસનું પે પેકેટ વધુ છે. ડેનિસ કોટ્સના પગારમાં ૪૨૧ મિલિયન પાઉન્ડનું વેતન તેમજ બિઝનેસમાં ૫૦ ટકાના હિસ્સા પર પ્રાપ્ત ૪૮ મિલિયન પાઉન્ડનું ડિવિડન્ડ તેમજ અન્ય ભથ્થાંનો સમાવેશ થાય છે.

દુનિયામાં સૌથી વધુ વેતન મેળવનારા સીઈઓમાં પ્રથમ નામ આલ્ફાબેટના સીઈઓ સુંદર પિચાઈનું છે જેમના પછી, ટેસ્લાના સીઈઓ એલન મસ્ક, એપલના સીઈઓ ટિમ કૂક અને માઈક્રોસોફ્ટના સીઈઓ સત્યા નડેલા જેવી હસ્તીઓ છે. જોકે, Bet365ની સ્થાપક અને સીઈઓ બ્રિટિશ મહિલા સીઈઓ ડેનિસ કોટ્સે વેતન બાબતે આ તમામને પાછળ પાડ્યા છે. શેફીલ્ડ યુનિવર્સિટીમાંથી ઈકોનોમિક્સની ગ્રેજ્યુએટ કોટ્સે પોતાના પિતાની ગેમ્બલિંગની શોપ્સની એક નાનકડી ચેઈનના એકાઉન્ટન્ટની કામગીરી સંભાળી હતી. તેણે ૨૨ વર્ષની વયે મેનેજિંગ ડાયરેક્ટર બનવાં અને બેટિંગ શોપ્સની સંખ્યા વધવાની સાથે જ બિઝનેસને ઓનલાઈન લઈ જવાનો નિર્ણય લીધો હતો. સ્ટોક સિટી ફૂટબોલ ક્લબની માલિકી તેની પાસે છે. બ્લૂમબર્ગ વેલ્થ ઈન્ડેક્સમાં સામેલ વિશ્વના ૫૦૦ ધનવાનોમાં સ્થાન ધરાવતી ડેનિસ કોટ્સ ૧૭ બ્રિટિશ ધનાઢ્યોમાં એકમાત્ર મહિલા છે.

કોટ્સ ફેમિલીની કુલ સંપત્તિ આશરે ૬.૮ બિલિયન પાઉન્ડ હોવાનું મનાય છે. આ સાથે ડેન્સ કોટ્સ યુકેની સૌથી ધનાઢ્ય પાંચમા ક્રમની મહિલા છે. કોટ્સ પરિવાર બ્રિટનમાં સૌથી વધુ કર ચુકવનારામાં આવે છે. તેના બિઝનેસ દ્વારા ૨૦૧૯-૨૦માં ૬૧૫ મિલિયન પાઉન્ડ અને ડેનિસ કોટ્સે અંગત આવકના ધોરણે અંદાજે ૨૨૦ મિલિયન પાઉન્ડનો કર ચૂકવ્યો હતો.૨૦૦૧માં ઓનલાઈન લોન્ચ કરાયેલી તેની જુગારકંપની વિશ્વમાં અગ્રણી છે તેમજ  સ્ટોક-ઓન-ટ્રેન્ટ અને જિબ્રાલ્ટરના વડામથકો ઉપરાંત, ૫,૧૦૦ કર્મચારી  ધરાવે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter