ગેમ્બલિંગ ટેક્સમાં વધારો, કેટેગરી બીના ગેમિંગ મશીનો પરની ડ્યુટી હવે 25 ટકા

સી અને ડી કેટેગરીના ગેમિંગ મશીનને રાહત, બેટિંગ શોપ્સ પર અસંમજસ

Tuesday 03rd November 2026 10:13 EST
 
 

લંડનઃ ચાન્સેલર જોન હિલીએ વર્ષ 2026ના ઓટમ બજેટમાં સૌથી વધુ વપરાતા ગેમિંગ મશીનો પરના કરવેરામાં પાંચ ટકાનો વધારો કર્યો છે. હાઇ સ્ટ્રીટ બિઝનેસોને રાહત પેકેજને પૂરું પાડવા માટે બેટિંગ શોપ્સ અને એડલ્ટ ગેમિંગ સેન્ટર્સમાં કેટેગરી બી સ્લોટ મશીનો પર ચૂકવવામાં આવતી મશીન ગેમ્સ ડ્યુટી 20% થી વધારીને 25% કરવામાં આવી છે.

હિલીએ જણાવ્યું હતું કે, મુખ્ય બજારોને સહયોગ આપવા માટેનો ખર્ચ પૂરો કરવા હું ઉચ્ચ દાવવાળા મશીનો પર મશીન ગેમ્સ ડ્યુટી 20% થી વધારીને 25% કરીને ગેમ્બલિંગ પરના કરમાં વધારો કરી રહ્યો છું, જ્યારે પબ્સ અને દરિયાકિનારાના આર્કેડ્સને આમાંથી સુરક્ષિત રાખવામાં આવ્યા છે. બજેટમાં એડલ્ટ ગેમિંગ સેન્ટર્સ અને વેપ શોપ્સનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો પરંતુ બેટિંગ શોપ્સનો સમાવેશ કરાયો નહોતો. બેટિંગ શોપ્સને બિઝનેસ રેટ રિલીફનો લાભ મળશે કે નહીં તે હજુ સ્પષ્ટ થયું નથી.

કેટેગરી બી માં પાંચ પ્રકારના મશીનો આવે છે. તેમાંથી B4, B3A, B3 અને B2 મશીનોમાં દાવની મર્યાદા 2 પાઉન્ડ નક્કી કરવામાં આવી છે, જેના પર હવે 25% એમજીડી લાગુ પડશે. બાકીના B1 મશીનો પર મહત્તમ 5 પાઉન્ડનો દાવ લગાવી શકાય છે. આ મશીનો અને કેટેગરી 'એ' મશીનો પર હાયર રેટ લાગુ પડે છે, જે 25% પર જ યથાવત રાખવામાં આવ્યો છે. કેટેગરી 'સી' અને 'ડી' નીચા દાવવાળા 'પેની સ્લોટ્સ' અને પબ્સમાં જોવા મળતા મશીનો છે, જેમાં મહત્તમ દાવ 1 પાઉન્ડનો હોય છે અને તેના પર 15% નો નીચો એમજીડી દર લાગુ પડે છે. સરકારે આ નાના સ્લોટ્સને ટેક્સ વધારાથી દૂર રાખ્યા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter