લંડનઃ માનવ તસ્કરી નિયંત્રણમાં લેવાના લક્ષ્યાંક સાથે યુકે દ્વારા જાહેર કરાયેલા નવા પ્રતિબંધો અંતર્ગત પ્રાથમિક લક્ષ્યાંકોના ભાગરૂપે ગેંગ લીડર્સ, નાની હોડીઓ સપ્લાય કરતી કંપનીઓ, બનાવટી પાસપોર્ટ બનાવી આપનારા અને નાણાની હેરાફેરી કરતા વચેટિયાઓના નામ આ સપ્તાહમાં જાહેર કરાશે. યુકેમાં ગેરકાયદેસર ઇમિગ્રેશન અટકાવવા માટે આ આર્થિક પગલાં લેવામાં આવશે.
આ પ્રતિબંધોની વ્યૂહરચના બુધવારે જાહેર કરાશે. જે અંતર્ગત ડઝનો વ્યક્તિઓ અને કંપનીઓ પર સંપત્તિ જપ્ત કરવા, પ્રવાસ પર પ્રતિબંધ અને યુકેની ફાઇનાન્સિયલ સિસ્ટમના ઉપયોગ પર પ્રતિબંધ જેવા પગલાં લેવાશે.
ફોરેન સેક્રેટરી ડેવિડ લેમીએ જણાવ્યું હતું કે, ગેરકાયદેસર ઇમિગ્રેશન સામેના આ વિશ્વમાં તેના પ્રકારના પ્રથમ પ્રતિબંધો છે. આપણે તેનું નેતૃત્વ કરી રહ્યાં છીએ અને અન્ય દેશો આપણને અનુસરશે.
પ્રતિબંધો અંતર્ગત બનાવટી દસ્તાવેજો પૂરા પાડનારા, નાની હોડીઓની વ્યવસ્થા કરનારા, હવાલા નેટવર્ક દ્વારા નાણાની હેરફેર કરનારાને લક્ષ્યાંક બનાવાશે.