ગેરકાયદે ઈમિગ્રન્ટ્સને સ્વદેશ મોકલવા £૫૦૦ મિલિયન ખર્ચ

Tuesday 01st September 2015 07:19 EDT
 

લંડનઃ હજારો ગેરકાયદે ઈમિગ્રન્ટ્સ, વિદેશી ક્રિમિનલ્સ, ઓવરસ્ટેયર્સ અને રાજ્યાશ્રય મેળવવામાં નિષ્ફળ અરજદારોને બ્રિટનથી તેમના દેશ પરત મોકલવા પાછળ કરદાતાઓના શિરે £૫૦૦ મિલિયનનો ભારે બોજ આવ્યો છે. આમાંથી £૨૦૦ મિલિયન તો એરલાઈન ટિકિટ્સ પાછળ ખર્ચાશે. હોમ એફેર્સ સિલેક્ટ કમિટીના ચેરમેન કિથ વાઝે આ ખર્ચાને જંગી ગણાવ્યો છે. તેમણે કહ્યું હતું કે લોકોને દેશમાં આવતા અટકાવવાની મજબૂત નીતિના અભાવનું જ આ પરિણામ છે. વર્ષ ૨૦૧૪માં ૧૨,૪૬૦ માઈગ્રન્ટ્સ અને નિષ્ફળ એસાઈલમ સીકર્સને બળપૂર્વક દેશનિકાલ કરવામાં આવ્યા હતા.

હોમ ઓફિસ દ્વારા જારી ટેન્ડરમાં ખાનગી કંપનીઓને ‘Escorting and Travel Services Re-Procurement Project’ના કોન્ટ્રાક્ટ માટે બીડ કરવા આમંત્રિત કરાઈ છે. સલામત અને સુરક્ષિત પેસેજ થકી દેશની બહાર મોકલાનારા ભાવિ માઈગ્રન્ટ્સની સંખ્યાના અંદાજના આધારે આંકડા મૂકાયા છે. પાંચ વર્ષ માટે અપાનારા આ કોન્ટ્રાક્ટમાં એરલાઈન ટિકિટ્સના £૨૦૦ મિલિયન સહિત £૫૦૦ મિલિયનના ખર્ચનો અંદાજ મૂકાયો છે.

ઈમિગ્રેશન એક્ટ ૧૯૭૧ અને ઈમિગ્રેશન એન્ડ એસાઈલમ એક્ટ ૧૯૯૯ અન્વયે યુનાઈટેડ કિંગ્ડમના ઈમિગ્રેશન રીમુવલ સેન્ટરો અને અન્ય સ્થળોએથી ગેરકાયદે માઈગ્રન્ટ્સની અટકાયત તેમ જ તેમને દેશનિકાલ કરવાની કામગીરી માટે હોમ ઓફિસ જવાબદાર છે. ગયા વર્ષે ૧૨,૪૬૦ લોકોને દેશનિકાલ કરાયા હતા, જેમાં ૪,૦૦૦ રાજ્યાશ્રય માગનારા, ૮,૨૦૦થી વધુ ગેરકાયદે ઈમિગ્રન્ટ્સ અને વિદેશી ક્રિમિનલ્સનો સમાવેશ થયો હતો. ગત દાયકામાં આ સંખ્યા માત્ર ૨૧,૦૦૦ની હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter