લંડનઃ યુકેમાં વર્ષ 2000થી ગેરકાયદેસર રીતે વસવાટ કરનાર ઘાનાની જોયસ બાઇડુને યુકેમાં વસવાટની અસાયલમ કોર્ટ દ્વારા પરવાનગી અપાઇ છે. કોર્ટે જણાવ્યું હતું કે, જોયસ લાંબા સમયથી બ્રિટનમાં વસવાટ કરી રહી હોવાથી તેને દેશનિકાલ કરી શકાય નહીં.
બનાવટી ઓળખ દસ્તાવેજોનો ઉપયોગ કરી ફ્રોડ કરવા માટે જોયસને દોષી ઠેરવાઇ હતી અને 10 મહિનાની કેદ ફટકારવામાં આવી હતી. 2007માં હોમ ઓફિસ દ્વારા તેને દેશનિકાલનો આદેશ કરાયો હતો પરંતુ તે યુકેમાં જ રહી ગઇ હતી. હવે યુકેમાં ગેરકાયદેસર રીતે આવ્યાના 25 વર્ષ બાદ જોયસ માનવ અધિકારનો કેસ જીતી ગઇ છે.
જોયસે કોર્ટમાં દલીલ કરી હતી કે હું ઘણા વર્ષોથી યુકેમાં રહું છું અને હવે હું ઘાનાની સંસ્કૃતિ સાથે મેળ સાધી શકું તેમ નથી. જોયસની તરફેણમાં ચુકાદો આપતાં જજે કહ્યું હતું કે, તેના દ્વારા ઘણી મજબૂત દલીલ કરાઇ છે. તે ઘણા વર્ષોથી ઘાનાથી દૂર રહી છે તેથી તેને ત્યાં ઘણા અવરોધોનો સામનો કરવો પડી શકે છે.