લંડન
બ્રિટનમાં અસુરક્ષિત સ્ટેટસ ધરાવતા લોકોને તેમના વતનના દેશમાં પાછા ચાલ્યા જવા માટેની સલાહ આપવા ઇમિગ્રેશન અધિકારીઓ હવે ધાર્મિક સ્થળોને પોતાનું લક્ષ્યાંક બનાવી રહ્યાં છે. હોમ ઓફિસની સ્પેશિયાલિસ્ટ ટીમો દ્વારા છેલ્લા 3 વર્ષમાં મંદિરો, મસ્જિદો, ગુરુદ્વારા અને દેવળો ખાતે 400 કરતાં વધુ દરોડા પડાયા હતા જે 2019 પછી દરોડામાં ચાર ગણો વધારો દર્શાવે છે. ગયા વર્ષે આ પ્રકારના 3 દરોડામાં ઇમિગ્રેશન અધિકારીઓ દ્વારા બ્રિટનમાં ગેરકાયદેસર રીતે રહેતા લોકોને સીધા એરપોર્ટ લઇ જઇને દેશનિકાલ કરાયા હતા. ઇમિગ્રેશન વિભાગની આ પ્રકારની કાર્યવાહીની માઇગ્રન્ટ જૂથો અને ચેરિટીઓ દ્વારા આકરી ટીકા કરવામાં આવી રહી છે. તેઓ આ પ્રકારની નીતિ રદ કરવાની માગ કરી રહ્યાં છે.
જોઇન્ટ કાઉન્સિલ ફોર વેલ્ફેર ઓફ ઇમિગ્રન્ટસના પોલિસી એડવાઇઝર મેરી એટ્કિન્સને જણાવ્યું હતું કે, ઇમિગ્રેશન વિભાગને આ પ્રકારે ધાર્મિક સ્થળોમાં જવાનો કોઇ અધિકાર નથી. સરકારે આ પ્રકારના વર્કશોપ તાત્કાલિક અટકાવી દેવા જોઇએ અને અનિશ્ચિતતાનું વાતાવરણ નાબૂદ કરવું જોઇએ જેથી દરેક જણ જીવનજરૂરી સરકારી સેવાઓ પ્રાપ્ત કરી શકે.
હોમ ઓફિસની નેશનલ કોમ્યુનિટી એન્ગેજમેન્ટ ટીમ દ્વારા હાથ ધરાતી કાર્યવાહીમાં લીગલ દસ્તાવેજો નહીં ધરાવતા માઇગ્રન્ટ્સ, રાજ્યાશ્રય મેળવવામાં નિષ્ફળ ગયેલા વિદેશી નાગરિકોને લક્ષ્યાંક બનાવવામાં આવે છે.


