ગેરકાયદેસર ઇમિગ્રેશન અટકાવવા સુનાકે પાંચ સૂત્રીય વ્યૂહરચના જાહેર કરી

બ્રિટનમાં લોકો ગેરકાયદેસર રીતે આવે તે યોગ્ય નથી – રિશી સુનાક

Wednesday 21st December 2022 05:43 EST
 
 

લંડન

બ્રિટનના વડાપ્રધાન રિશી સુનાકે દેશમાં ગેરકાયદેસર ઇમિગ્રેશન અટકાવવા માટે પાંચ સૂત્રીય વ્યૂહરચનાની જાહેરાત કરી છે. તેમણે 2024ના અંત સુધીમાં રાજ્યાશ્રયની પડતર તમામ અરજીઓનો નિકાલ કરવાનું વચન પણ આપ્યું છે. ગેરકાયદેસર ઇમિગ્રેશન અટકાવવા ઇંગ્લિશ ચેનલમાં નાની હોડીઓ પર ચાંપતી નજર રખાશે અને તે માટે સેંકડો નવા કર્મચારી તહેનાત કરાશે. આલ્બેનિયાથી આવતા ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ માટે એક વિશેષ વિભાગની સ્થાપના કરાશે. રાજ્યાશ્રયની અરજીની પ્રક્રિયા ચાલી રહી છે તેવા 10,000 અરજકર્તાઓને રહેવાની વ્યવસ્થા પણ નવી યોજનામાં સામેલ કરાઇ છે.

હાઉસ ઓફ કોમન્સમાં એક નિવેદનમાં રિશી સુનાકે જણાવ્યું હતું કે, બ્રિટનમાં લોકો ગેરકાયદેસર રીતે આવે તે યોગ્ય નથી. સુરક્ષિત દેશોમાંથી આવીને બ્રિટનમાં રાજ્યાશ્રય લેવો અને અસુરક્ષિત દેશોના લોકોનો હક છીનવી લેવો તે પણ યોગ્ય નથી.

સુનાકે જણાવ્યું હતું કે માનવ તસ્કરીમાં સામેલ ક્રિમિનલ ગેંગો સામે પગલાં લેવા કોઇ ક્રુરતા નથી. કાયદાનો ગેરલાભ લેનારા લોકો સામે પગલાં લેવા પણ ક્રુરતા નથી. બસ હવે બહુ થયું. હાલની વૈશ્વિક રાજ્યાશ્રયની વ્યવસ્થા ખસ્તાહાલ બની ગઇ છે.

સુનાકે જણાવ્યું હતું કે, ઇંગ્લિશ ચેનલ દ્વારા થતી ઘૂસણખોરી અટકાવવા 700 વધારાના ક4ણચારીઓ તહેનાત કરાશે. યુરોપમાં સુનિયોજિત ઇમિગ્રેશન અપરાધો સામે લડવા બ્રિટનની નેશનલ ક્રાઇમ એજન્સીનું ભંડોળ બમણું કરાશે. બ્રિટનમાં ગેરકાયદેસર રીતે કામ કરી રહેલા લોકો પરના દરોડા વધારવા માટે ઇમિગ્રેશન અધિકારીઓને વધુ સત્તા અપાશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter