લંડનઃ વડાપ્રધાન રિશી સુનાકે જણાવ્યું છે કે યુરોપિયન કન્વેન્શન ઓન હ્યુમન રાઇટ (ઇસીએચઆર)ના સભ્યપદ કરતાં પણ ગેરકાયદેસર ઇમિગ્રેશન પર નિયંત્રણ મેળવવું અત્યંત મહત્વનું છે. રવાન્ડા યોજના શરૂ કરવા માટે બ્રિટન આંતરરાષ્ટ્રીય જવાબદારીઓ સાથે છેડો ફાડવા પણ તૈયાર છે તેવા સંકેત વડાપ્રધાને આપ્યાં છે.
વડાપ્રધાને જણાવ્યું હતું કે, રાજ્યાશ્રય વાંચ્છુઓને દેશનિકાલ કરવાના તેમના પ્રયાસોને અવરોધવામાં વશે તો તેઓ ઇસીએચઆર સાથે છેડો ફાડવા પણ તૈયાર છે. તેઓ બ્રિટનના સાર્વભૌમત્વ માટે મૂળભૂત નીતિમાં હસ્તક્ષેપ કરવા વિદેશી અદાલતને પરવાનગી આપશે નહીં.
એક ઇન્ટર્વ્યુમાં વડાપ્રધાને પોતાના ઇમિગ્રન્ટ પરિવારનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે, ગેરકાયદેસર માઇગ્રેશન પારદર્શકતાની મારી લાગણીઓને હણે છે. મેં કાયદેસરના ઇમિગ્રેશનને પણ અડધું ઘટાડવાની પ્રતિજ્ઞા લીધી છે.
સોશિયલ મીડિયા અને માનસિક બીમારી વચ્ચે સંબંધ નથીઃ સુનાક
સ્માર્ટ ફોનના ઉપયોગ અને માનસિક બીમારીઓ વચ્ચે ચોક્કસ સંબંધ હોવાનો ઇનકાર કરતાં વડાપ્રધાને જણાવ્યું હતું કે, મારી બંને દીકરીઓ સ્માર્ટ ફોનનો ઉપયોગ કરે છે અને સોશિયલ મીડિયાના ઉપયોગના કારણે બાળકો માનસિક બીમારીનો ભોગ બનતા હોય તેવો ચોક્કસ સંબંધ મારા ધ્યાનમાં આવ્યો નથી. હું જે સાચું છે તેના આધારે મારા મંતવ્યો નક્કી કરું છું. હા, બાળકો પર સોશિયલ મીડિયાની અસરો અંગે આપણે સાવધાન રહેવું જોઇએ.


