ગેરકાયદેસર ઇમિગ્રેશન સેવાઓની ઓનલાઇન જાહેરાત માટે હેમ રાજ સામે કેસ

વર્ષ 2025માં અમલી બનેલા નવા કાયદા અંતર્ગત આ પહેલો કેસ નોંધાયો

Tuesday 22nd September 2026 10:48 EDT
 

લંડનઃ ગેરકાયદેસર ઇમિગ્રેશન પર લગામ લગાવવા માટે યુકે દ્વારા બનાવવામાં આવેલા નવા કાયદા હેઠળ પ્રથમ વખત એક ભારતીય નાગરિક સામે કાર્યવાહી કરવામાં આવી છે. વેસ્ટ મિડલેન્ડ્સના સ્મેથવિકમાં રહેતા 24 વર્ષીય ભારતીય નાગરિક હેમ રાજ પર બ્રિટનમાં ગેરકાયદેસર ઇમિગ્રેશનને પ્રોત્સાહન આપતી ઓનલાઈન સામગ્રી તૈયાર કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. આ ગુનો 'બોર્ડર સિક્યુરિટી, એસાયલમ એન્ડ ઇમિગ્રેશન એક્ટ 2025'ની કલમ 17 હેઠળ દાખલ કરવામાં આવ્યો છે. આ ગુનામાં મહત્તમ પાંચ વર્ષની જેલની સજા, દંડ અથવા બંનેની જોગવાઈ છે.

હેમ રાજ પર વિદેશી નાગરિકોને બોગસ વિઝા અને અસાયલમ અરજીઓ અંગે સલાહ આપતી સોશિયલ મીડિયા પોસ્ટ પ્રકાશિત કરવાનો આરોપ છે. નેશનલ ક્રાઇમ એજન્સીની તપાસ દરમિયાન આ નવા કાયદા હેઠળ સજાપાત્ર ગુનો નોંધાયો હોય તેવો આ પ્રથમ કિસ્સો છે.

આ ઉપરાંત, ઓગસ્ટ 2024થી ફેબ્રુઆરી 2026 વચ્ચે જરૂરી યોગ્યતા કે સત્તાવાર અધિકૃતતા વિના ગેરકાયદેસર રીતે ઇમિગ્રેશન સલાહ આપવા બદલ પણ તેની સામે ઇમિગ્રેશન એન્ડ અસાયલમ એક્ટ, 1999ની કલમ 84 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter