ગેરકાયદેસર ઘૂસણખોરોની અટકાયત અને દેશનિકાલ કરવાની સરકારને સત્તા મળી

લાંબા સમય બાદ ઇલલીગલ માઇગ્રેશન બિલ પર સંસદની મહોર, કાયદો બનશે

Tuesday 18th July 2023 11:21 EDT
 
 

લંડનઃ છેલ્લા કેટલાક સમયથી સંસદમાં અટવાયેલા ઇલલીગલ માઇગ્રેશન બિલને હાઉસ ઓફ લોર્ડ્સની મંજૂરી મળી જતાં હવે કાયદો બનશે. ઇંગ્લિશ ચેનલમાંથી નાની હોડીઓ દ્વારા યુકેમાં થતી ઘૂસણખોરી અટકાવવા માટેની વડાપ્રધાન રિશી સુનાકની પ્રતિજ્ઞામા આ કાયદો કેન્દ્રસ્થાને છે. આ કાયદા અંતર્ગત હવે યુકેમાં ગેરકાયદેસર પ્રવેશ કરનાર વિદેશી નાગરિકની અટકાયત કરીને દેશનિકાલ કરવાની કાયદાકીય જવાબદારી હોમ સેક્રેટરીની બને છે. સોમવારે મોડી રાત સુધી ચાલેલી ચર્ચમાં હાઉસ ઓફ લોર્ડ્સે બાળકોની અટકાયતની સમયમર્યાદા અને આધુનિક ગુલામી સામે સંરક્ષણની જોગવાઇઓ પુનઃ લાગુ કરવાના સરકારના પ્રયાસો નિષ્ફળ બનાવ્યાં હતાં. હવે આ ખરડા પર કિંગ ચાર્લ્સની મંજૂરી મળતાં કાયદો બની જશે.

આગામી મહિનાઓમાં યુકેમાં ગેરકાયદેસર રીતે આવનારા વિદેશીઓ સામે કેવા પગલાં લેવાશે તે હજુ સ્પષ્ટ નથી. જોકે આ ખરડો પસાર થતાં હવે સરકારને યુકેમાં ગેરકાયદેસર પ્રવેશનાર વિદેશી નાગરિકની અટકાયત કરી તેને રવાન્ડા અથવા તો અન્ય સુરક્ષિત દેશમાં મોકલી આપવાની સત્તા હાંસલ થઇ જશે. સરકારના રવાન્ડા પ્લાન આડે પણ અવરોધો છે કારણ કે કોર્ટ ઓફ અપીલે ગયા મહિને જ રવાન્ડા યોજનાને ગેરકાયદેસર ગણાવી હતી. સરકાર હવે કોર્ટ ઓફ અપીલના ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકાર આપવાની તૈયારી કરી રહી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter