લંડન – બ્રિટનની સરકારે જણાવ્યું છે કે ગેરકાયદેસર ઘૂસણખોરોને દેશનિકાલ કરતા અટકાવવાની અદાલતોની ક્ષમતાને મર્યદિત કરવા પગલાં લેવામાં આવશે. સરકાર ગેરકાયદેસર ઘૂસણખોરો પર સકંજો કસવા આગામી સપ્તાહમાં પ્રસ્તાવિત ખરડામાં વધુ સુધારા લાવી રહી છે. ફ્રાન્સથી ઇંગ્લિશ ચેનલ પાર કરીને આવતા વિદેશીઓ અને રાજ્યાશ્રય માગનારાઓનો ધસારો ઘટાડવો એ વડાપ્રધાન રિશી સુનાકની ટોચની પ્રાથમિકતા પૈકીની એક છે. ગયા વર્ષે ઇંગ્લિશ ચેનલ પાર કરીને 45000 વિદેશીઓ બ્રિટન પહોંચ્યા હતા. સરકારના એક અંદાજ પ્રમાણે આ વર્ષે ગેરકાયદેસર રીતે બ્રિટનમાં આવનારા વિદેશીઓની સંખ્યા વધીને 56000 પર પહોંચી શકે છે.
બ્રિટનના ગૃહ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ગેરકાયદેસર ઘૂસણખોરોને દેશનિકાલ કરવા ખરડામાં સુધારો કરવામાં આવી રહ્યો છે જેના પગલે યુકેની અદાલતો કોઇ ઘૂસણખોરને દેશનિકાલ થતો અટકાવવા વચગાળાના આદેશ આપી શકશે નહીં. તે ઉપરાંત દસ્તાવેજો ન ધરાવતા હોય તેવા ઘૂસણખોરોનું સાયન્ટિફિક એજ એસેસમેન્ટ કરાશે અને તે માટે ઇનકાર કરનારને પુખ્ત ગણી લેવાશે. આ કાયદા દ્વારા ઇમિગ્રેશન અધિકારીઓને ઘૂસણખોરન મોબાઇલ ફોનની તપાસનો પણ અધિકાર અપાશે.
બ્રિટનના ગૃહમંત્રી સુએલા બ્રેવરમેને જણાવ્યું હતું કે, આ સુધારાઓના કારણે આપણે દેશની સરહદોને વધુ સુરક્ષિત બનાવી શકીશું અને ઘૂસણખોરોને છેલ્લી ઘડીએ બોગસ દાવાઓ કરતા અટકાવી શકીશું જેથી તેમને ઝડપથી દેશનિકાલ કરી શકાય.


