લંડનઃ જુલાઇ મહિનામાં 20થી 27 તારીખ વચ્ચે ડિલિવરી કંપનીઓ માટે ગેરકાયદેસર કામ કરતા રાજ્યાશ્રયવાંચ્છુઓ સામે અભિયાન ચલાવાયું હતું. એક સપ્તાહના અભિયાન દરમિયાન સેંકડો લોકોને ગેરકાયદેસર કામ કરતા ઝડપી લેવાયા હતા. સમગ્ર દેશમાં 1780 લોકોને અટકાવીને પૂછપરછ કરાઇ હતી જેમાંથી હિલિંગડન, ડમફ્રાય્સ અને બર્મિંગહામમાંથી 280 માઇગ્રન્ટ્સની ધરપકડ કરાઇ હતી.
તેમાંથી 89 માઇગ્રન્ટ્સ એવા હતા જેમનો દેશનિકાલ પડતર છે અને 53 અસાયલમ સપોર્ટ ધરાવતા હતા. સરકારે જણાવ્યું છે કે તેમનો અસાયલમ સપોર્ટ બંધ કરી દેવાશે. હોમ ઓફિસે આ કાર્યવાહીને નેશનવાઇડ ઇન્ટેન્સિફિકેશન વીક નામ આપ્યું હતું જે અંતર્ગત ડિલિવરી રાઇડર્સ તરીકે ગેરકાયદેસર રીતે કામ કરતા લોકોને લક્ષ્યાંક બનાવાયાં હતાં. હોમ ઓફિસે જણાવ્યું હતું કે, આ પ્રકારની કાર્યવાહી આગામી મહિનાઓમાં પણ જારી રહેશે.
બોર્ડર સિક્યુરિટી મિનિસ્ટર ડેમ એન્જેલા ઇગલે જણાવ્યું હતું કે, ગેરકાયદેસર નોકરીઓ આપણી બોર્ડર સિક્યુરિટીને જોખમમાં મૂકે છે. અમે તેની સામે કડક હાથે કામ લઇ રહ્યાં છીએ. યુકેમાં ઇમિગ્રેશન અને એમ્પ્લોયમેન્ટ કાયદાઓનું ઉલ્લંઘન કરાનારા સામે દેશવ્યાપી અભિયાન શરૂ કરાયું છે.
ગેરકાયદેસર નોકરી કરતા માઇગ્રન્ટ્સની ધરપકડની સાથે સાથે કાર વોશ અને રેસ્ટોરન્ટ સહિતના 51 બિઝનેસને પેનલ્ટી નોટિસ જારી કરાઇ છે. દોષી ઠરવા પર તેમને ભારે પેનલ્ટી ફટકારવામાં આવશે.