ગેરકાયદેસર નોકરીઃ બિઝનેસોને 2400 પેનલ્ટી નોટિસ અને 130 મિલિયન પાઉન્ડનો દંડ

ગેરકાયદેસર કર્મચારીઓને ધરાવતા બિઝનેસોમાં સૌથી વધુ ડિલિવરી રાઇડર્સ, ટેક-અવે અને નેઇલ સલૂનનો સમાવેશ

Tuesday 10th February 2026 09:29 EST
 
 

લંડનઃ વર્ષ 2025માં ગેરકાયદેસર કર્મચારીઓને નોકરી પર રાખનારી કંપનીઓને 2400 પેનલ્ટી નોટિસ પાઠવી 130 મિલિયન પાઉન્ડનો દંડ કરાયો હતો. હોમ ઓફિસના જણાવ્યા અનુસાર ગેરકાયદેસર કર્મચારીઓને નોકરી પર રાખતા બિઝનેસોમાં સૌથી વધુ ડિલિવરી રાઇડર્સ, ટેક-અવે અને નેઇલ સલૂન જેવા બિઝનેસોનો સમાવેશ થાય છે.

2025માં 9000 ગેરકાયદેસર કર્મચારીની ધરપકડ કરાઇ હતી જેમાંથી 50 ટકા રેસ્ટોરન્ટ, ડિસ્ટ્રિબ્યુશન અને બ્યૂટી ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા હતા. સૌથી વધુ 2500 ધરપકડ રેસ્ટોરન્ટ બિઝનેસો ખાતેથી કરાઇ હતી જ્યારે 1050 ધરપકડ નેઇલ સલૂન અને હેર ડ્રેસર્સ જેવા બ્યૂટી બિઝનેસોમાંથી કરાઇ હતી.

ઇંગ્લિશ ચેનલ દ્વારા નાની હોડીઓમાં સવાર થઇને આવતા ગેરકાયદેસર માઇગ્રન્ટ્સ માટે આ પ્રકારની ગેરકાયદેસર નોકરીઓ પ્રોત્સાહનજનક હતી તેથી હોમ સેક્રેટરી શબાના માહમૂદના નિર્દેશ પર મોટાપાયે કાર્યવાહી કરીને પેનલ્ટી ફટકારવામાં આવી રહી છે જેથી ગેરકાયદેસર માઇગ્રેશન પર લગામ કસી શકાય. પેનલ્ટીમાંથી થનારી આવકનો ઉપયોગ હોમ ઓફિસ ઇમિગ્રેશન કાયદાઓના અમલ અને બોર્ડર પેટ્રોલિંગ માટે કરાશે.

હોમ ઓફિસ મિનિસ્ટર માઇક ટેપે જણાવ્યું હતું કે, ગેરકાયદેસર નોકરીઓ પ્રમાણિક બિઝનેસોને નુકસાન પહોંચાડી રહ્યાં છે. તેનાથી આપણા ઇમિગ્રેશન નિયમોનું પણ ઉલ્લંધન થઇ રહ્યું છે. તેથી અમે બ્લેક ઇકોનોમીમાં કામ કરી રહેલા ગેરકાયદેસર માઇગ્રન્ટ્સને ઝડપીને દેશનિકાલ કરી રહ્યાં છીએ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter