લંડનઃ બ્રિટનની સરકારે તેની સુરક્ષિત દેશોની યાદીમાં હવે ભારત અને જ્યોર્જિયાનો પણ સમાવેશ કર્યો છે. બુધવારે સંસદમાં રજૂ કરાયેલા મુસદ્દા ખરડા અનુસાર હવે પરવાનગી વિના આ બંને દેશમાંથી બ્રિટનમાં પ્રવેશલા ગેરકાયદેસર માઇગ્રન્ટ્સ હવે રાજ્યાશ્રય માટે દાવો કરી શકશે નહીં.
યુકે સરકાર દ્વારા લેવાયેલા નિર્ણયને પગલે ભારત હવે સુરક્ષિત દેશોની યાદીમાં સમાવાશે જેના પગલે ભારતીય ગેરકાયદેસર ઇમિગ્રન્ટના યુકેમાં રાજ્યાશ્રયના અધિકાર અત્યંત મર્યાદિત બની જશે. યુકે હોમ ઓફિસના જણાવ્યા અનુસાર છેલ્લા એક વર્ષમાં ઇંગ્લિશ ચેનલ પાર કરીને ગેરકાયદેસર રીતે યુકે આવતા ભારતીયોની સંખ્યામાં મોટો વધારો થતાં સરકારને રાજ્યાશ્રયની માગ કરનારા ભારતીયોની સમીક્ષા કરવાની ફરજ પડી છે.
યુકેના હોમ સેક્રેટરી સુએલા બ્રેવરમેને જણાવ્યું હતું કે, મૂળભૂત રીતે સુરક્ષિત દેશોમાંથી ભયજનક અને ગેરકાયદેસર પ્રવાસ કરીને યુકે આવતા લોકોને આપણે અટકાવવા જ પડશે. સુરક્ષિત દેશોની યાદી વિસ્તારવાના કારણે આપણે યુકેમાં જેમને રહેવાનો અધિકાર નથી તેવા લોકોને સરળતા અને ઝડપથી બહાર કાઢી શકીશું અને તેમને સ્પષ્ટ સંદેશ જશે કે જો તમે યુકેમાં ગેરકાયદેસર રીતે આવ્યા છો તો અહીં તમે રહી શક્તા નથી.
યુકે સરકારના આ નિર્ણયને કારણે હવે ભારત સુરક્ષિત, સ્થિર અને માનવઅધિકાર ઉલ્લંઘનથી મુક્ત દેશ છે. તેથી ભારતીયોને બ્રિટનમાં રાજ્યાશ્રય મળવાની સંભાવનાઓમાં મોટો ઘટાડો થશે. ગેરકાયદેસર રીતે બ્રિટન જનારા ભારતીયો રાજ્યાશ્રય માટે દાવો કરી શકશે નહીં. બ્રિટનની સરકાર યુકેમાં ગેરકાયદેસર રીતે પ્રવેશેલા ભારતીયોની અટકાયત કરીને તેમને તાત્કાલિક દેશનિકાલ પણ કરી શકશે.
જો કે એક કેમ્પેન ગ્રુપે જણાવ્યું છે કે સરકારે બિનસૈદ્ધાંતિક નીતિઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું બંધ કરીને ન્યાયી અને અસરકારક રાજ્યાશ્રય સિસ્ટમનો અમલ કરવો જોઇએ.
વડાપ્રધાન રિશી સુનાકે ઇંગ્લિશ ચેનલ પાર કરીને આવતા રાજ્યાશ્રય માગનારાઓની નાની હોડીઓને અટકાવવાને તેમની પાંચ પ્રાથમિકતા પૈકીની એક પ્રાથમિકતા નક્કી કરી છે. તેમ છતાં અત્યાર સુધીમાં 26000 માઇગ્રન્ટ્સ ઇંગ્લિશ ચેનલ પાર કરીને બ્રિટન પહોંચ્યા છે. સરકારે ગેરકાયદેસર માઇગ્રન્ટ્સને રવાન્ડા મોકલી આપવા માટે કાયદો ઘડ્યો છે પરંતુ તેના પર હાલ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી હોવાથી સરકાર ચુકાદાની રાહ જોઇ રહી છે.


