લંડનઃ સુનાક સરકારના ઇલલીગલ માઇગ્રેશન એક્ટ અંતર્ગત હવે યુકેમાં ગેરકાયદેસર રીતે આવતા વિદેશીઓને તેમને રવાન્ડા શા માટે દેશનિકાલ ન કરાય તે પૂરવાર કરવા માટે ફક્ત 30 મિનિટનો સમય અપાશે. ગેરકાયદેસર રીતે યુકેમાં પ્રવેશેલા વિદેશી નાગરિકને રવાન્ડામાં દેશનિકાલ કરવો કે નહીં તેનો ઝડપી નિર્ણય લેવા માટે હોમ ઓફિસના કર્મચારીઓને તાલીમ આપવામાં આવી રહી છે. તેઓ 4 માપદંડના આધારે આ નિર્ણય લેશે.
સુનાક સરકાર ગેરકાયદેસર માઇગ્રન્ટ્સને રવાન્ડામાં દેશનિકાલ કરવા માટે તૈયારી કરી રહી છે ત્યારે અધિકારીઓને ટ્રેનિંગ પ્રોગ્રામ અંતર્ગત વ્યાપક તાલીમ આપવામાં આવી રહી છે. સરકાર આશા રાખે છે કે ડિસેમ્બર સુધીમાં સુપ્રીમ કોર્ટનો આદેશ આવી જાય તો ફેબ્રુઆરી 2024થી રવાન્ડાની ફ્લાઇટ શરૂ કરી શકાય. હોમ ઓફિસ ઓક્ટોબર 2024 સુધીમાં 4000 માઇગ્રન્ટ્સને રવાન્ડા મોકલવા માગે છે અને તેની પાછળ 700 મિલિયન પાઉન્ડનો ખર્ચ થશે.
ઇંગ્લીશ ચેનલ દ્વારા થઇ રહેલી ઘૂસણખોરીમાં ઘટાડો નોંધાઇ રહ્યો હોવાના સંકેત પ્રાપ્ત થઇ રહ્યાં છે. આ વર્ષના અંત સુધીમાં 30,000 માઇગ્રન્ટ્સ આવે તેવો અંદાજ છે. વર્ષ 2023ની શરૂઆતમાં આ અંદાજ 65000 હતો. આંકડા વડાપ્રધાનને એવો દાવો કરવાની તક આપશે કે ગેરકાયદેસર માઇગ્રન્ટ્સને અટકાવવા માટેની તેમની યોજના કામ કરી રહી છે.
રવાન્ડા સ્કીમ પર સુપ્રીમનો ચુકાદો આવતાં મહિનાઓ લાગી જશે
સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે રાજ્યાશ્રય માગનારાઓને રવાન્ડા મોકલી આપવાની સરકારની યોજના યોગ્ય છે કે નહીં તે અંગેનો ચુકાદો આપતાં કેટલાક મહિના નીકળી જશે. જૂન મહિનામાં કોર્ટ ઓફ અપીલે ચુકાદો આપ્યો હતો કે હજારો રાજ્યાશ્રય માગનારાને ઇસ્ટ આફ્રિકામાં રવાન્ડા ખાતે મોકલી આપવાની યોજના ગેરકાયદેસર છે કારણ કે રવાન્ડા સુરક્ષિત દેશ નથી. આ ચુકાદાને પડકારતી સુનાવણીમાં છેલ્લા 3 દિવસથી સુનાક સરકારના વકીલો સુપ્રીમ કોર્ટમાં દલીલો રજૂ કરી રહ્યાં હતાં.
કોર્ટ પ્રેસિડેન્ટ રોબર્ટ રીડે જણાવ્યું હતું કે, સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવતાં કેટલો સમય આવશે તે જાણવાની ઉત્સુકતા ઘણા લોકોને હશે પરંતુ ચુકાદો આવતાં કેટલો સમય લાગશે તે કહેવું મુશ્કેલ છે. સુપ્રીમ કોર્ટને આ મામલામાં ચુકાદો આપતાં નીચલી અદાલતો જેટલો સમય એટલે કે બે મહિના લાગી શકે છે. તેનો અર્થ એ થયો કે મધ્ય ડિસેમ્બર સુધીમાં ચુકાદો આવી શકે છે.


