લંડનઃ ઇંગ્લિશ ચેનલ પાર કરીને આવતા ગેરકાયદેસર માઇગ્રન્ટ્સને અટકાવવા લેબર સરકાર એક નવો કાયદો લાવી રહી છે જે અંતર્ગત માઇગ્રન્ટ્સ મોડર્ન સ્લેવરી પ્રોટેકક્શન માટે દાવો કરી શકશે નહીં. સરકારને બાળકોની અટકાયત કરવા સહિતની સત્તાઓ પણ હાંસલ થશે.
વડાપ્રધાન સર કેર સ્ટાર્મર માનવ તસ્કરો સામે પગલાં લેવા નવી કાઉન્ટર ટેરરિઝમ જોગવાઇઓ કરશે જેમાં મોબાઇલ ફોન અને નાણાકીય સંપત્તિઓ જપ્ત કરાશે. બોર્ડર ફોર્સ ઓફિસરોને નાની હોડીઓમાં આવતા માઇગ્રન્ટસની તલાશી લેવા અને અટકાવવાના અધિકાર અપાશે.
બોર્ડર સિક્યુરિટી,અસાયલમ એન્ડ ઇમિગ્રેશન બિલમાં ઇન્વેસ્ટિગેટર્સને મોબાઇલ ડિવાઇસમાંથી ડેટા કોપી કરવા અને માનવ તસ્કરો સામેના ખટલામાં ઉપયોગ કરવાની સત્તા અપાશે. વડાપ્રધાન સ્ટાર્મરને આશા છે કે નવા કાયદાની મદદથી માનવ તસ્કર ગેંગોનો ખાત્મો કરી શકાશે અને તેમના માળખાનો ધ્વંસ કરવામાં મદદ મળશે.