ગેરકાયદેસર માઇગ્રન્ટ્સઃ યુકે અને ફ્રાન્સની વન ઇન – વન આઉટ યોજનાની જાહેરાત

ચેનલ પાર કરીને આવતા ગેરકાયદેસર માઇગ્રન્ટ્સને પરત ફ્રાન્સ મોકલાશે, બદલામાં તેટલી જ સંખ્યામાં સેફરૂટ દ્વારા આવતા રાજ્યાશ્રયવાંચ્છુઓને યુકે સ્વીકારશે

Tuesday 15th July 2025 11:06 EDT
 
 

લંડનઃ વડાપ્રધાન સર કેર સ્ટાર્મર અને ફ્રાન્સના પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોંએ નાની હોડીઓ દ્વારા ઇંગ્લિશ ચેનલ પાર કરીને આવતા ગેરકાયદેસર માઇગ્રન્ટ્સને અટકાવવા નવી વન ઇન- વન આઉટ યોજના પર સહમતિ વ્યક્ત કરી છે. યુકેમાં યોજાયેલી એંગ્લો-ફ્રેન્ચ સમિટના ત્રીજા અને અંતિમ દિવસે બંને નેતાઓએ આ યોજનાની ટ્રાયલ હાથ ધરવાની જાહેરાત કરી હતી જે અંતર્ગત ઇંગ્લિશ ચેનલ પાર કરીને આવતા ગેરકાયદેસર માઇગ્રન્ટ્સને ફ્રાન્સ પરત મોકલાશે. બદલામાં બ્રિટન જેટલા માઇગ્રન્ટ્સને ફ્રાન્સ પરત મોકલાશે તેટલા જ સેફ રૂટ દ્વારા આવવાનો પ્રયાસ કરનારા રાજ્યાશ્રયવાંચ્છુઓને સ્વીકારશે.

મેક્રોં સાથે પત્રકાર પરિષદને સંબોધન કરતા વડાપ્રધાન સ્ટાર્મરે જણાવ્યું હતું કે, આ યોજના આગામી થોડા જ સપ્તાહમાં અમલી બનશે. નાની હોડીઓ દ્વારા આવતા માઇગ્રન્ટ્સની અટકાયત કરીને ટૂંકસમયમાં ફ્રાન્સ પરત મોકલી અપાશે. બદલામાં એટલી જ સંખ્યામાં સેફ રૂટ દ્વારા આવતા રાજ્યાશ્રયવાંચ્છુઓનો સ્વીકાર કરાશે. તેમાં એવા માઇગ્રન્ટ્સ જ સામેલ હશે જેમણે યુકેમાં ગેરકાયદેસર રીતે પ્રવેશવાનો પ્રયાસ કર્યો નથી.

વડાપ્રધાને જણાવ્યું હતું કે, આ વ્યવસ્થા હજુ પ્રારંભિક અવસ્થામાં રહેશે અને દર સપ્તાહે 50 ગેરકાયદેસર માઇગ્રન્ટ્સને ફ્રાન્સ પરત મોકલી અપાશે. આ સ્કીમમાં કેટલા માઇગ્રન્ટ્સ અને રાજ્યાશ્રયવાંચ્છુઓને સામેલ કરાશે તેનો કોઇ આંકડો બંને નેતા દ્વારા જાહેર કરાયો નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter