લંડનઃ કન્ઝર્વેટિવ પાર્ટીએ આરોપ મૂક્યો છે કે ઇંગ્લિશ ચેનલ પાર કરીને આવતા ગેરકાયેદસર માઇગ્રન્ટ્સની ગુનાહિત પ્રવૃત્તિઓના કારણે દેશમાં મહિલાઓ અને સગીરાઓની સુરક્ષા જોખમમાં મૂકાઇ છે. શેડો હોમ સેક્રેટરી ક્રિસ ફિલિપે જણાવ્યું હતું કે જનતા ગેરકાયદેસર માઇગ્રન્ટ્સની ગુનાહિત પ્રવૃત્તિઓથી અકળાઇ ચૂકી છે પરંતુ તેના માટે હિંસક પ્રદર્શનો કરવા વ્યાજબી નથી.
તાજેતરમાં એસેક્સમાં 38 વર્ષીય રાજ્યાશ્રયવાંચ્છુ દ્વારા એક 14 વર્ષીય સગીરાને ચુંબનનો પ્રયાસ કરાયા બાદ એપિંગમાં આવેલી અસાયલમ હોટેલ ખાતે હિંસક પ્રદર્શનો કરાયાં હતાં. જેમાં પોલીસે 6 લોકોની ધરપકડ કરી હતી.
હોમ ઓફિસ મિનિસ્ટર ડેમ ડાયના જ્હોન્સને જણાવ્યું હતું કે, ક્રિમિનલ જસ્ટિસ પ્રોસિજર આવા તત્વો સામે પગલાં લે તે મહત્વનું છે. સરકાર કોઇપણ પ્રકારના સેક્સ્યુઅલ એસોલ્ટના આરોપને ગંભીરતાથી જુએ છે. સેક્સ્યુઅલ એસોલ્ટ માટે દોષી ઠરેલાને રાજ્યાશ્રય ન અપાય તે સુનિશ્ચિત કરવા સરકાર કાયદામાં સુધારો કરવા જઇ રહી છે.
ક્રિસ ફિલિપે આરોપ મૂક્યો હતો કે ચેનલ ક્રોસિંગમાં આ વર્ષ બદતર રહ્યું છે. અત્યાર સુધીમાં 23000 માઇગ્રન્ટ્સ ચેનલ પાર કરીને યુકે પહોંચ્યાં છે. આજે અસાયલમ હોટેલોની સંખ્યા તેની ટોચ પર છે. આ સરહદી સુરક્ષાની કટોકટીની સાથે સાથે જાહેર સુરક્ષાની પણ કટોકટી છે.