લંડનઃ હોમ ઓફિસ મિનિસ્ટરે જણાવ્યું છે કે જેમની રાજ્યાશ્રયની અરજીઓ નકારી કાઢવામાં આવી છે તેમના સંતાનો યુકેમાં જનમ્યા હશે તો પણ દેશનિકાલ કરાશે. બોર્ડર સિક્યુરિટી એન્ડ અસાયલમ મિનિસ્ટર એલેક્સ નોરિસે જણાવ્યું હતું કે, જેમની પાસે યુકેમાં રહેવાનો અધિકાર નથી તેવા દરેકને દેશનિકાલ કરાશે. જેમના રેફ્યજી સ્ટેટસના દાવા નકારી કઢાયા છે તેવા પરિવારોને દેશનિકાલ કરવાની કાર્યવાહી ઝડપી બનાવવામાં આવશે.
હાલમાં જે રાજ્યાશ્રયવાંચ્છુઓ સ્વેચ્છાએ તેમના વતનના દેશમાં જવા તૈયાર થાય છે તેમને 3000 પાઉન્ડ ચૂકવાય છે. સરકાર આ રકમમાં વધારો કરવાની યોજના બનાવી રહી છે. જો કે નોરિસે ચોક્કસ આંકડો આપવાનો ઇનકાર કર્યો છે.
દેશનિકાલથી બચવા માટે માઇગ્રન્ટ્સ મોડો દાવો રજૂ કરવા જેવા હથકંડા અપનાવતા હોય છે. નોરિસે આ દુષણ ડામવાની પ્રતિબદ્ધતા પણ વ્યક્ત કરી હતી. સરકાર અસાયલમના દાવાના પ્રારંભે જ સંપુર્ણ કેસ રજૂ કરવાનું ફરજિયાત બનાવશે.
લેબર સરકાર સત્તામાં આવી ત્યારથી અત્યાર સુધીમાં 50,000 માઇગ્રન્ટ્સને દેશનિકાલ કાયા છે જે આ દાયકાનો સૌથી ઊંચો આંકડો છે.
શું યુકેમાં જન્મ લેનાર બાળકોને પણ દેશનિકાલ કરાશે તેવા સવાલના જવાબમાં નોરિસે જણાવ્યું હતું કે, હા, ચોક્કસ. ઇમિગ્રેશન લૉ અંતર્ગત મેરિટના આધારે દરેક કેસમાં નિર્ણય લેવાશે. ચોક્કસ કેસોમાં બાળકો સહિત પરિવારોને દેશનિકાલ કરાશે.


