ગેરકાયદેસર માઇગ્રન્ટ્સને નોકરી અને છત આપનારા પર કોરડો વીંઝાયો

ગેરકાયદે નોકરી આપવા માટે પ્રતિ કર્મચારી 45,000 પાઉન્ડ અને રહેવાની વ્યવસ્થા આપવા માટે પ્રતિ લોજર 5,000 પાઉન્ડ, પ્રતિ ઓક્યુપન્ટ 10,000 પાઉન્ડનો આકરો દંડ ચૂકવવો પડશે

Tuesday 20th February 2024 16:23 EST
 

લંડનઃ ગેરકાયદેસર માઇગ્રન્ટ્સને નોકરી આપનારા વેપાર ધંધા અને રહેવાની વ્યવસ્થા આપનારા મકાન માલિકોને હવે આકરા દંડનો સામનો કરવો પડશે. યોગ્ય વિઝા વિનાના લોકોને નોકરી રાખનારા નોકરીદાતાએ પહેલીવારના ઉલ્લંઘન માટે પ્રતિ કર્મચારી 45000 પાઉન્ડની પેનલ્ટી ચૂકવવી પડશે. જો તે વારંવાર નિયમોનું ઉલ્લંઘન કરતો ઝડપાશે તો તેની પાસેથી 60,000 પાઉન્ડની પેનલ્ટી વસૂલાશે. અગાઉ આ પેનલ્ટી અનુક્રમે 15,000 અને 20,000 પાઉન્ડ હતી.

ગેરકાયદેસર માઇગ્રન્ટને રહેવાની વ્યવસ્થા આપનાર મકાન માલિકે હવે પ્રતિ લોજર 5000 પાઉન્ડ અને પ્રતિ ઓક્યુપન્ટ 10,000 પાઉન્ડ દંડ પેટે ચૂકવવા પડશે. અગાઉ આ રકમ અનુક્રમે 80 અને 1000 પાઉન્ડ વસૂલાતી હતી. જો આ નિયમોનું વારંવાર ઉલ્લંઘન કરાશે તો લેન્ડલોર્ડ પાસેથી પ્રતિ લોજર 10,000 પાઉન્ડ અને પ્રતિ ઓક્યુપાયર 20,000 પાઉન્ડ પેનલ્ટી વસૂલાશે.

સરકારનું માનવું છે કે નોકરી અને રહેવાની વ્યવસ્થા નહીં મળે તો ઇંગ્લિશ ચેનલ પાર કરીને યુકેમાં ગેરકાયદેસર રીતે આવતા માઇગ્રન્ટ્સને અટકાવી શકાશે. ઇલલીગલ માઇગ્રેશન મિનિસ્ટર માઇકલ ટોમલીનસને જણાવ્યું હતું કે, અમે માનવ તસ્કરોના બિઝનેસ મોડેલને તોડી પાડવા તમામ પ્રયાસ કરી રહ્યાં છીએ પરંતુ ગેરકાયદેસર માઇગ્રન્ટ્સને નોકરી આપનારા અને રહેવાની વ્યવસ્થા આપનારા અમારા પ્રયાસોને નિષ્ફળ બનાવી રહ્યાં હતાં. તેમની સામે આકરાં પગલાં લઇને અમે ભયજનક મુસાફરીઓ કરીને આવતા ગેરકાયદેસર માઇગ્રન્ટ્સને અટકાવવા અવરોધ ઊભા કરી રહ્યાં છીએ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter