લંડનઃ બેડિંગ્ટનમાં એક ભારતીય રેસ્ટોરન્ટ સહિતના પાંચ લોકલ બિઝનેસને ગેરકાયદેસર કામદારોને નોકરી પર રાખવા માટે હજારો પાઉન્ડનો દંડ ફટકારવામાં આવ્યો છે. સરકારના ત્રિમાસિક આંકડા અનુસાર બેડિંગ્ટનના બ્રોડવે ખાતે એકેએમપી ફૂડ્સ લિમિટેડ દ્વારા સંચાલિત આસિફ બાલટી હાઉસને 10,000 પાઉન્ડનો દંડ ફટકારાયો છે. તે ઉપરાંત ક્રોયડનમાં વિન્ડમિલ રોડ પર આવેલા કેર સોલ્યૂશન્સ રિક્રુટમેન્ટ એજન્સી અને ડિવાઇન મોસન્સ હેલ્થકેર સર્વિસિઝ લિમિટેડને 15-15 હજાર પાઉન્ડનોદંડ કરાયો છે. પર્લીમાં બ્રાઇટોન રોડ ખાતેની કેરીસેન્સ લિમિટેડને પણ ગેરકાયદેસર લોકોને નોકરી પર રાખવા માટે 15,000 પાઉન્ડનો દંડ કરાયો છે. ક્રોયડનમાં જ કૂમ્બે વૂડ ખાતેના કોચ હાઉસને 10,000 પાઉન્ડ અને વી નેઇલ્સને 45000 પાઉન્ડનો દંડ કરાયો છે.
હોમ ઓફિસ દ્વારા આ પ્રકારની માહિતી વર્ષમાં ચાર વાર જાહેર કરાય છે. તાજેતરમાં ઓક્ટોબર-ડિસેમ્બર 2022ના આંકડા જાહેર કરાયા હતા. સરકારના જણાવ્યા અનુસાર જેમને યુકેમાં કામ કરવાનો પરવાનો અપાયો નથી તેવા લોકોને કામ પર રાખવાને કારણે આકરા દંડનો સામનો કરવો પડી શકે છે. સરકારે જણાવ્યું છે કે વ્યક્તિ પાસે યુકેમાં કામ કરવાનો પરવાનો નથી તેમ જાણતા હોવા છતાં જો તમે તેને નોકરી પર રાખો છો તો તમને પાંચ વર્ષની કેદ અને અમર્યાદિત દંડ પણ થઇ શકે છે.
કેવા પ્રકારના વ્યક્તિને નોકરી પર રાખવા ન જોઇએ
- યુકેમાં પ્રવેશવા અને રહેવાની પરવાનગી ન હોય તેવી વ્યક્તિ
- વિઝાની મુદત પૂરી થઇ ગઇ હોય તેવી વ્યક્તિ
- ચોક્કસ પ્રકારના કામ કરવાની પરવાનગી ન હોય તેવી વ્યક્તિ
- ખોટા અથવા બનાવટી દસ્તાવેજો ધરાવતી વ્યક્તિ


