લંડનઃ યુકેમાં વસવાટ કરતી ભારતીય મૂળની કોમલ શિંદે પર 12,000 પાઉન્ડમાં માઇગ્રન્ટ્સને યુકેના ગેરકાયદેસર વર્ક વિઝા વેચવાનો આરોપ મૂકાયો છે. કોમલ શિંદે ફેસબુક પર ધડલ્લે આ બ્લેક માર્કેટ ચલાવી રહી હતી.
ક્રિશિવ કન્સલ્ટન્સી લિમિટેડ કંપનીની માલિક કોમલ શિંદે બનાવટી નોકરીઓ, બનાવટી દસ્તાવેજો અને બનાવટી પે-રોલ રેકોર્ડનો ઉપયોગ કરીને માઇગ્રન્ટ્સને બોગસ સ્કીલ્ડ વર્કર વિઝા ઓફર કરતી હતી જેથી તેઓ યુકેમાં ગેરકાયદેસર રીતે રહી શકે. કોમલ શિંદે પાસે આ કામ માટે કોઇ સત્તાવાર રજિસ્ટ્રેશન કે લીગલ ઓથોરિટી નહોતી.
કોમલ શિંદે ફેસબુકના માર્કેટ પ્લેસમાં વિઝા સેવાઓની જાહેરાત આપતી અને માઇગ્રન્ટ્સ પાસેથી હજારો પાઉન્ડ પડાવીને વિઝાની ગેરેંટી આપતી હતી. અંડરકવર રિપોર્ટર્સને કોમલે જણાવ્યું હતું કે, તે પોતે યુકેમાં સ્ટુડન્ટ વિઝા પર છે. તે રેસ્ટોરન્ટ, કેર હોમ્સ, વેરહાઉસમાં નોકરી માટે સ્કીલ્ડ વર્કર વિઝા 12,000થી 19,000 પાઉન્ડમાં અપાવી દેશે.


