લંડનઃ વેસ્ટ લંડનનો ધર્માંતરિત મુસ્લિમ ઉગ્રવાદી એલેક્સાન્ડ્રા કોટે સીરિયામાં ૨૭ બંધકોના શિરચ્છેદ કરવા માટે જવાબદાર ઈસ્લામિક સ્ટેટના ‘જેહાદી જ્હોન’ મોહમ્મદ એમ્વાઝીની ગેંગના ‘બીટલ્સ’ ચાર બુરખાધારી ગાર્ડ્સમાંનો એક હોવાનું સિક્યુરિટી એજન્સીઓએ જણાવ્યું છે. આ ઉગ્રવાદી ૨૦૦૯માં ગાઝા ગયેલા પૂર્વ સાંસદ જ્યોર્જ ગેલોવે દ્વારા આયોજિત સહાયકાફલામાં વોલન્ટીઅર તરીકે સામેલ થયો હતો.
રિસ્પેક્ટ પાર્ટી તરફથી લંડનના મેયરપદ માટેના ઉમેદવાર ગેલોવેના પ્રવક્તાએ કહ્યું હતું કે કોન્વોયમાં ૫૦૦ લોકો હતા અને આ વ્યક્તિને જોયાનું જ્યોર્જને યાદ પણ નથી. તે ત્યાં હોવાનું શક્ય છે, પરંતુ તેને મળ્યાનું જ્યોર્જને યાદ નથી. આ કોન્વોયમાં ૨૦૧૧માં ચાર આજીવન સજા કરાયેલો મુનિર ફારૂકી પણ હતો. માન્ચેસ્ટરના ફારૂકીને અફઘાનિસ્તાનમાં લડવા અંડરકવર પોલીસ ઓફિસરોની ભરતી કરવાના પ્રયાસમાં દોષી જાહેર કરાયો હતો. મોહમ્મદ એમ્વાઝીને માયાળુ યુવાન ગણાવી વિવાદ સર્જનારા કેજ ગ્રૂપે ફારૂકીને પણ ટેકો આપ્યો હતો. લંડન બોઈઝનો નેતા રેઝા અફ્શાર્ઝાડેગાન પણ ગેલોવેના એક મિલિયન સહાયના કાફલામાં હતો.
એમ્વાઝીની માફક કોટે પણ ઉદ્દામવાદી ઈસ્લામ વિશે વિચારોની આપલે કરતા કટ્ટરવાદી નેટવર્ક ‘લંડન બોઈઝ ’ સાથે સંકળાયેલો હતો. તે લંડનમાં Isilના રીક્રુટર તરીકે કાર્ય કરતો હતો. ‘બીટલ્સ’ નામે ઓળખાયેલા ચાર જેહાદી હત્યારાઓમાં એમ્વાઝી, કોટે અને એઈન ડેવિસ લંડનના હતા. તેઓ અલ મનાર મસ્જિદમાં નિયમિત મળતા હોવાનું પણ બહાર આવ્યું છે. યુએસ ઈન્ટેલિજન્સ પણ બંધકો બનાવવામાં કોટેની ભૂમિકા તપાસી રહેલ છે.


