લંડન
સરકારના નેટ ઝીરો પ્લાન અંતર્ગત જે પરિવારો ગેસનો વપરાશ બંધ નહીં કરે તેમના પર પેનલ્ટી લાગુ કરાશે. સરકાર ગેસ માટેની સબસિડીના નિયમોમાં પણ ધરમૂળથી બદલાવ કરવાની તૈયારી કરી રહી છે જેથી વધુ પરિવારોને ગેસને સ્થાને વીજળીનો વપરાશ કરવા માટે આકર્ષી શકાય. સરકારના નવા નેટ ઝીરો પ્લાન અંતર્ગત ગેસના બિલમાં પ્રતિવર્ષ 100 પાઉન્ડનો વધારો થઇ શકે છે. લોકોને વીજળીનો વપરાશ વધારવા મટે સરકાર ઇઁધણોના પ્રકાર પ્રમાણે ટેક્સની વસૂલાત કરવાની તૈયારીમાં છે. ગેસના વપરાશથી ગ્રીન હાઉસ ગેસનું નિર્માણ થાય છે જ્યારે વીજળીને વિન્ડ તથા સોલર પાવર દ્વારા પણ ઉત્પાદિત કરી શકાય છે.
હાલમાં પરિવારો ગ્રીન એનર્જી માટે સરકારને વધુ ટેક્સ ચૂકવી રહી છે જેના કારણે વીજળી ગેસ કરતાં પણ મોંઘી પડે છે. સરકાર દ્વારા વીજળીના બિલ પર સરેરાશ 131 પાઉન્ડનો ટેક્સ વસૂલે છે. જ્યારે ગેસ પર ફક્ત 34 પાઉન્ડની સબસિડી જ વસૂલવામાં આવે છે. તેના કારણે કેટલા લોકો ગેસનો વપરાશ છોડીને વીજળીનો વિકલ્પ અપનાવશે તે એક મોટી ચિંતાનો વિષય છે.
એનર્જી સેક્રેટરી ગ્રાન્ટ શેપ્સે જણાવ્યું હતું કે, આગામી એક કે બે દાયકામાં બ્રિટનની જનતાએ ગેસના સ્થાને ક્લીન એનર્જીનો વપરાશ કરવાની જરૂર છે. આપણે સારી રીતે જાણીએ છીએ કે વીજળી કાર્બન ઉત્સર્જન ઘટાડવાનો શ્રેષ્ઠ વિકલ્પ છે. પરંતુ આ એક મોટો પડકાર પણ છે. આપણે આપણા ઘરોને ગરમ રાખવા માટે અન્ય વિકલ્પો અપનાવવા પડશે અને તેમને સારી રીતે ઇન્શ્યુલેટ પણ કરવા પડશે. શેપ્સે જણાવ્યું હતું કે, હું પણ મારા ઘરમાં બોઇલરનો ઉપયોગ ઘટાડી રહ્યો છું. હું પણ અન્યોની જેમ વીજળીના બિલ પાછળ થતા ખર્ચને ઘટાડવા માગુ છું.
સરકાર પોતાના ઘરોની નજીક વિન્ડ ફાર્મ સ્થાપવા માટે તૈયાર લોકોને એનર્જી બિલમાં સેંકડો પાઉન્ડની રાહત આપવાની તૈયારી કરી રહી છે.


