ગોલ્ડન બગીમાં સવારીના ટ્રમ્પના દુરાગ્રહથી પોલીસ મુશ્કેલીમાં

Wednesday 19th April 2017 06:29 EDT
 
 

લંડનઃ યુએસએના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આગામી ઓક્ટોબરમાં યુકેની સત્તાવાર મુલાકાત દરમિયાન તેમને ક્વીનની ગોલ્ડન બગીમાં જ લઈ જવાની માગણી કરતા સુરક્ષા અધિકારીઓએ તેમની સલામતીની જડબેસલાક યોજના બનાવવી પડશે. વ્હાઈટ હાઉસે સ્પષ્ટપણે ટ્રમ્પની અપેક્ષા પરંપરાગત સ્વાગતની હોવાનું જણાવ્યું છે. જોકે, સુરક્ષા અધિકારીઓએ સુરક્ષા જાળવવી મુશ્કેલ બનશે તેવી ચેતવણી આપી હતી . તાજેતરમાં અન્ય મહાનુભાવોની મુલાકાતની સરખામણીએ મોટા પાયે ઓપરેશન હાથ ધરવું પડશે.

ટ્રમ્પે બગીસવારીને તેમની સરકારી મુલાકાતનો એક ભાગ બનાવવાની જીદ પકડી છે. ટ્રમ્પના પુરોગામી બરાક ઓબામાએ ૨૦૧૧ના યુકે પ્રવાસમાં ક્વીનની મુલાકાતે જવા માટે ઓછાં પરંપરાગત વાહન આર્મર્ડ બૂલેટપ્રૂફ કાર પસંદ કરી હતી.

લોકોના વિરોધ દેખાવો વચ્ચે વિવાદાસ્પદ પ્રમુખની સુરક્ષા જાળવવી લંડનની પોલીસ માટે પડકાર છે. એક સૂત્રે જણાવ્યું હતું કે અમેરિકાના પ્રમુખની કાર અદભૂત છે અને હળવી કક્ષાના રોકેટ ગ્રેનેડ જેવા મોટા હુમલા સામે પણ તે ટકી શકે છે. ઝડપી કારમાં તેમનું રક્ષણ સારી રીતે થઈ શકે છે જ્યારે બે અશ્વો દ્વારા ખેંચાતા ગોલ્ડન કોચમાં તો જોખમ ખૂબ વધી જાય.

ગયા જાન્યુઆરીમાં પ્રમુખ ટ્રમ્પની સરકારી મુલાકાતની જાહેરાત થઈ ત્યારે જ હજારો લોકોએ તેનો વિરોધ કર્યો હતો અને આમંત્રણ પાછું ખેંચી લેવાની રજૂઆત સાથેની પિટિશન પર ૧.૮ મિલિયન લોકોએ હસ્તાક્ષર કર્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter