લંડનઃ ગોલ્ફ કોમ્પિટિશનમાં છેતરપિંડીના આરોપોના પગલે સાઉથવેસ્ટ લંડનની ક્લબમાંથી કરાયેલી હકાલપટ્ટી સામે વિરોધ નોંધાવતા ભારતીય મૂળની મહિલા રીના રોહિલાએ ગોલ્ફ ક્લબ સામે 37,500 પાઉન્ડનો દાવો માંડ્યો છે.
અખબારી અહેવાલો અનુસાર વર્ષ 2019માં યોજાયેલી ગોલ્ફ કોમ્પિટિશન બાદ રોયલ મિડ સરે ગોલ્ફ ક્લબે તેને હાંકી કાઢી હતી. રોહિલાએ દાવો કર્યો હતો કે ક્લબના સભ્યો તેની સાથે વ્યક્તિગત અણગમો ધરાવતા હતા.
વ્યવસાયે ઇનસોલવન્સી પ્રેકટિશનર રીના રોહિલા 16 વર્ષથી આ ક્લબની મેમ્બર હતી. ક્લબ દ્વારા તેના પર કોમ્પ્ટિશનમાં છેતરપિંડીનો આરોપ મૂકાયો હતો. હાલમાં રોહિલાના કેસની સુનાવણી સેટ્રલ લંડન કાઉન્ટી કોર્ટમાં ચાલી રહી છે.
રીના રોહિલાએ કોઇપણ પ્રકારની છેતરપિંડીનો ઇનકાર કરતાં દાવો કર્યો છે કે હું ભારતીય મૂળની હોવાના કારણે મારી સાથે પક્ષપાત કરીને મને ક્લબમાંથી બહાર કરી દેવાઇ છે. હું નહોતી જાણતી કે કમિટીના તમામ સભ્યો મારી હકાલપટ્ટીની તરફેણમાં હતાં. લોકોને મારી પ્રત્યે અણગમો છે તેવું ધારી લઇને આ નિર્ણય લેવાયો છે.