લંડનઃ પૂર્વ વડા પ્રધાન ડેવિડ કેમરનના સંસ્મરણોનું કથાનક ‘For the Record’ પ્રસિદ્ધ થયું છે, જેમાં બ્રેક્ઝિટ મુદ્દે તેમના પૂર્વ ગાઢ મિત્ર માઈકલ ગોવની આકરી ઝાટકણી કાઢવામાં આવી છે. આ પછી, ગોવના પત્ની સારાહ વાઈને એક લેખમાં સ્વીકાર્યું હતું કે બ્રેક્ઝિટના કારણે બંને પરિવાર દૂર થઈ ગયા હતા. હવે કેમરને તેમના પૂર્વ મિત્રમાંથી દુશ્મન બનેલા માઈકલ ગોવ સામે સુલેહની ઝંડી ફરકાવતા કહ્યું છે કે બંને મિત્રો અલગ થયા પછી નદીમાં ઘણા પાણી વહી ગયાં છે. ગોવના પત્નીનો હૃદયસ્પર્શી લેખ વાંચીને તેઓ હચમચી ગયા છે.
કેમરને પોતાની આત્મકથા ‘For the Record’માં ૨૦૧૬માં લીવ કેમ્પેઈનને સાથ આપવા બદલ માઈકલ ગોવની આકરી ટીકા કરી છે. આના કારણે કેમરનની રાજકીય કારકીર્દિનો અંત આવ્યો અને વડા પ્રધાનનું પદ ગુમાવવું પડ્યું હતું. કેમ્પેઈન દરમિયાન ગોવે સરકાર પર કરેલા હુમલાથી કેમરનને ભારે આઘાત લાગ્યો હતો અને તેમની મિત્રતા તેમજ પરિવારો વચ્ચેના સંબંધનો અંત આવ્યો હતો. હવે તેઓ અગાઉની ગાઢ મિત્રતાને સજીવન કરવાની ઈચ્છા ધરાવે છે. કેમરને કહ્યું હતું કે તેઓ ગોવના પત્નીના લાગણીશીલ અને હૃદયસ્પર્શી લેખથી હલબલી ગયા છે અને પૂર્વ મિત્ર સાથેની જૂની કટુતા ભૂલી જવા તૈયાર છે.
ડેઈલી મેલના કોલમિસ્ટ અને ગોવના પત્ની સારાહ વાઈને લેખમાં લખ્યું છે કે ગોવ અને કેમરન પરિવારો વચ્ચે ૨૦ વર્ષથી વધુ ગાઢ મિત્રતાનો સંબંધ રાજકારણથી પણ આગળ હતો. તેઓ સાથે વેકેશન ગાળતા હતા. પરંતુ,૨૦૧૬ની ફ્રેબ્રુઆરીના બ્રેક્ઝિટ પછી તેમના વચ્ચે બોલવાનો પણ સંબંધ રહ્યો નથી. કેમરન દંપતીની પુત્રી ફ્લોરેન્સના ગોડમધર સારાહ વાઈને તેમનો ઉલ્લેખ પ્રિય મિત્રો અને તેમના જીવનની મહત્ત્વની પળોમાં સાથી તરીકે કર્યો છે. તેમણે લખ્યું છે કે આટલાં વર્ષો મુશ્કેલ હતાં કારણકે કોઈ તે સ્મૃતિઓને મિટાવી શકતું નથી. ખરેખર તો લોકો મહત્ત્વના છે નહિ કે રાજકારણ, સત્તા કે બ્રેક્ઝિટ. આપણે બધાં ભૂલો કરીએ છીએ અને આગળ વધી જઈએ છીએ. અથવા આપણે પ્રયાસ કરવો જ જોઈએ