લંડનઃ અંગ્રેજો દ્વારા વર્ષ 1878માં બ્રિટન લઇ જવાયેલા ગૌતમ બુદ્ધ સાથે સંકળાયેલા પ્રાચીન રત્નો ભારતને પરત સોંપાયા છે. પિપરાહવા રત્ન તરીકે જાણીતા 334 અવશેષોને સોથબી હરાજી ગૃહ દ્વારા ભારત સરકારને પરત કરી દેવાયાં છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રત્નોની વાપસીને સાંસ્કૃતિક વારસા માટે ખુશીનો દિવસ ગણાવ્યો હતો.
મોદીએ જણાવ્યું હતું કે, ગૌતમ બુદ્ધના પવિત્ર પિપરહવા અવશેષ 127 વર્ષ બાદ સ્વદેશ પરત આવ્યા છે. આ અવશેષ ભગવાન બુદ્ધ અને તેમના મહાન શિક્ષણ સાથે ભારતના ઘનિષ્ઠ જોડાણને દર્શાવે છે.
આ અવશેષની શોધ બ્રિટિશ અધિકારી અને પુરાતત્વવિદ્દ વિલિયમ ક્લેક્સટન પેપ્પે પિપરાહવામાં કરી હતી. તત્કાલિન બ્રિટિશ સરકારે કુલ 1800 રત્નમાંથી પાંચમા ભાગનો હિસ્સો પેપ્પે પરિવારને સોંપીને બાકીના રત્ન પોતાના કબજામાં લીધાં હતાં. તેમને કોલકાતાન મ્યુઝિયમમાં રખાયાં હતાં જ્યારે પેપ્પે પરિવારે આ રત્નો સોથબીને સોંપ્યા હતા અને હોંગકોંગમાં તેની હરાજી થવાની હતી. જેની સામે ભારત સરકારે વાંધો ઉઠાવીને કાનૂની નોટિસ આપી હતી.