ગૌતમ રંગરાજનની વડાપ્રધાનના નિષ્ણાત સલાહકાર તરીકે નિમણુંક

રંગરાજનના વ્યૂહરચના, સંગઠનાત્મક પરિવર્તન અને મીડિયા ક્ષેત્રે દાયકાઓના અનુભવનો ઉપયોગ કરાશે

Tuesday 18th August 2026 13:08 EDT
 
 

લંડનઃ વડાપ્રધાન એન્ડી બર્નહામે 10 ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે નવા તૈયાર કરાયેલા હોદ્દા પર ભારતીય મૂળના વરિષ્ઠ વ્યૂહરચનાકાર અને બીબીસીના ભૂતપૂર્વ એક્ઝિક્યુટિવ ગૌતમ રંગરાજનની એક્સપર્ટ એડવાઇઝર ઓન સ્ટ્રક્ચર એન્ડ પ્રોસેસ તરીકે નિમણૂક કરી છે. વ્યૂહરચના, સંગઠનાત્મક પરિવર્તન અને મીડિયા ક્ષેત્રે  દાયકાઓનો અનુભવ ધરાવતા રંગરાજન આ સપ્તાહે જ પોતાનો પદભાર સંભાળશે.

રંગરાજન મીડિયા, રચનાત્મક ઉદ્યોગો અને જાહેર સેવા પ્રસારણ ક્ષેત્રે 20 વર્ષથી વધુનો બહોળો અનુભવ ધરાવતા વરિષ્ઠ વ્યૂહરચનાકાર અને મીડિયા એક્ઝિક્યુટિવ છે. આ નવી સરકારી ભૂમિકા પહેલાં તેમણે બીબીસીમાં 30 વર્ષથી વધુ સમય વિતાવ્યો હતો જ્યાં તેમણે પોતાના કારકિર્દીની શરૂઆત રેડિયો મ્યુઝિક પ્રોડ્યુસર તરીકે કરી હતી અને બાદમાં તેઓ સંસ્થાના ગ્રુપ ડિરેક્ટર ફોર સ્ટ્રેટેજી એન્ડ પરફોર્મન્સના ઉચ્ચ પદ સુધી પહોંચ્યા હતા. તેમની પાસે ઝડપથી બદલાતા બજારોમાં વ્યૂહરચના ઘડવાનો, મોટા પાયે સંસ્થાકીય પરિવર્તનોનું નેતૃત્વ કરવાનો અને જટિલ નીતિગત તથા નાણાકીય વાટાઘાટો સંભાળવાનો બહોળો અનુભવ છે.

વડાપ્રધાનના કાર્યાલયે જણાવ્યું હતું કે, રંગરાજનના કોર્પોરેટ વ્યૂહરચના અને પરિવર્તનક્ષમ સંચાલનના અનુભવનો ઉપયોગ કરવામાં આવશે. તેમની આ નિમણૂક એવા સમયે થઈ છે જ્યારે વડાપ્રધાન બર્નહામ ઓફિસ ફોર ધ પ્રાઇમ મિનિસ્ટર એન્ડ કેબિનેટની સ્થાપના સહિત સરકારી મશીનરીનું વ્યાપક પુનર્ગઠન કરી રહ્યા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter