ગૌરવવંતા ગુજરાતીઓઃ વિશ્વની શ્રેષ્ઠ વેપારી પ્રજાનું રહસ્ય

રુપાંજના દત્તા Tuesday 22nd December 2015 13:24 EST
 
ફોટો સૌજન્યઃ ધ ઇકોનોમિસ્ટ
 

લંડનઃ સાચુ જ કહેવાય છે કે ‘જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત’. ગુજરાતીઓ કેનેડાથી યુએસ અને યુરોપથી ન્યૂ ઝીલેન્ડ વિશ્વમાં કોઈ પણ સ્થળે જાય, તેમનું કાર્ય નોકરી, બિઝનેસ, રાજકારણ, બેન્કિંગ, કાનૂન, કળા, સંગીત કે અભિનય- કોઈ પણ ક્ષેત્રમાં હોય, પોતાનો સિક્કો જમાવવા માટે જાણીતા છે. ગાંધીજી, ઝીણા કે મોદીને ઓળખતી ન હોય તેવી વ્યક્તિ ભાગ્યે જ મળશે. વિશ્વપ્રસિદ્ધ ન્યૂઝવીક્લી ‘ઈકોનોમિસ્ટ’ દ્વારા તેના સ્પેશિયલ લેખ ‘ગોઈંગ ગુજરાતીઃ સીક્રેટ્સ ઓફ ધ વર્લ્ડ્સ બેસ્ટ બિઝનેસ પીપલ’માં વિશ્વમાં તેમના પદચિહ્નો મુકનારા અને આગામી પેઢીઓ માટે સફળતાનો માર્ગ ખોલનારા વૈશ્વિક ગુજરાતીઓને ગૌરવપૂર્ણ અંજલિ અપાઈ છે. ‘ઈકોનોમિસ્ટ’ અંગ્રેજી ભાષાનું સાપ્તાહિક છે અને સપ્ટેમ્બર ૧૮૪૩થી સ્થાપક જેમ્સ વિલ્સનની રાહબરી હેઠળ તેના પ્રકાશનો અવિરત પ્રસિદ્ધ થતાં રહ્યાં છે.

આર્ટિકલનો આરંભ બ્રિટિશ રાજના ટુચકાઓ સાથે થાય છે કે સામ્રાજ્યવાદીઓ આફ્રિકાના જંગલોમાં ટ્રેકિંગ કરતા હતા ત્યારે આ તટીય રાજ્યના વેપારી અને પ્રવાસી નાગરિકો, યુનિયન જેકના છત્ર નીચે દૂરસુદૂર પ્રવાસો ખેડતાં હતાં. આવો જ એક ૧૨ વર્ષીય પ્રવાસી અલિદીના વિસરામ ખાલી ખિસ્સે ૧૮૬૩માં કચ્છ (ગુજરાત)થી ઝાંઝીબાર (ટાન્ઝાનિયા-ઈસ્ટ આફ્રિકા) આવી પહોંચ્યો હતો. તેણે ૧૪ વર્ષ પછી નાની દુકાન ખોલી હતી અને ૧૯૦૦ના દાયકાની શરૂઆતમાં કેન્યાથી યુગાન્ડા સુધીના ૫૮૦ માઈલના લાંબા ટ્રેક પર રેલવે વર્કર્સને પુરવઠો પૂરો પાડવા દરેક મોટા રેલવે સ્ટેશનો પર તેના સ્ટોર્સ ખુલતાં જ ગયા. આ પછી તેણે જિન્જા અથવા લેક વિક્ટોરિયામાં પણ વધુ સ્ટોર્સ ખોલ્યા હતા.

આ પછી ૧૮૯૩માં બીજા વધુ સાહસિક અને મહત્ત્વાકાંક્ષી ગુજરાતી વિઠલદાસ હરિદાસ પણ આવી પહોંચ્યા. તેમણે ૨૪ માઈલનું જંગલ વટાવી નાના ઈંગાંગામાં પહેલી દુકાન ખોલી અને પાછું વળીને જોયું જ નહિ. વધુ દુકાનો ખુલતી ગઈ.

આ તો માત્ર આરંભ હતો. લેખમાં પત્રકાર લખે છે કે,‘અંતર કે તાપમાન જેવી ચીજોને ગુજરાતીઓ કદી ગણકારતા જ ન હતા.’ યુવાન પેઢીઓ વ્હાઈટ કોલર નોકરીઓ અથવા અન્ય ઉચ્ચ વ્યવસાયો સાથે પણ સંકળાતી ગઈ હોવા છતાં ગુજરાતી લોકો માટે વેપાર લોહી સાથે વણાયો છે. મેડિસીન અને ઈજનેરી ડીગ્રીઓને પણ વેપારી તકમાં બદલવાની કરામત તેમની પાસે છે. પત્રકાર લખે છે,‘અમેરિકાની સ્વતંત્ર ફાર્મસીઓની લગભગ અડધોઅડધ (૧૨,૦૦૦)ની માલિકી તેમજ બ્રિટનની સૌથી મોટી ચેઈન્સમાં એક ડે લેવિસની માલિકી તેઓ ધરાવે છે.’ નાની કરિયાણા દુકાનોથી હોટેલ્સ (તમામ હોટેસ્લ અને મોટેલ્સનો ત્રીજો હિસ્સો ગુજરાતીઓ ચલાવે છે), સ્ટાર્ટ અપ્સથી વિશ્વના સૌથી મોટા કંગ્લોમરટ્સ સુધીના બિઝનેસીસ તેઓ ક્ષમતા સાથે ચલાવે છે. તેમના વેપારી નેટવર્ક્સ પણ સુગઠિત અને વ્યાપક હોય છે.

લેખમાં વિશ્વની શ્રેષ્ઠ અને નામાંકિત યુનિવર્સિટીઓના નિષ્ણાતોની આંખે ગુજરાતી વણિકવાદ, મહાજન (યુરોપના ગિલ્ડ્સ સમકક્ષ) તરીકે ઓળખાતી સંસ્થાઓ, ૧૦મી અને ૧૧મી સદીના ગુજરાતી વેપારની નીતિ અને આચારસંહિતા, ભૂગોળ, ધાર્મિક સદાચાર (હિન્દુ અને જૈન), ધર્માંતરની પેટર્ન (વોહરા, ખોજા અને મેમણ જેવા મુસ્લિમ પંથોમાં), ઈમિગ્રેશન અને તેમની સંખ્યાનું પ્રમાણ(ભારતમાં ૬૩ મિલિયન અને વિદેશમાં ૩થી૯ મિલિયન) સહિતના ઈતિહાસની વિશદ છણાવટ કરાઈ છે. સૌથી સફળ પ્રજા હોવાના દાવા પર તેમનો અધિકાર છે.

લેખમાં ગુજરાતીઓની સફળતાનો મંત્ર- જ્ઞાનપ્રાપ્તિ અર્થે વ્યવહારુ લક્ષ્યો હાંસલ કરવા અને પાંખો પ્રસરાવવી-નું પણ વર્ણન કરાયું છે. ‘વંશીય ભારતીય અમેરિકનોએ સિલિકોન વેલીમાં વ્યવહારુ જ્ઞાન કામે લગાવ્યું અને તેઓ કુલ સ્ટાર્ટપ્સના ચોથા હિસ્સા માટે કારણભૂત છે અને તેનો ચોથો હિસ્સો ગુજરાતી હોવાનું મનાય છે. તેઓ સમગ્ર વિશ્વના ડાયમન્ડ બિઝનેસ પર પ્રભુત્વ ધરાવે છે, વિશ્વના ૯૦ ટકા રફ ડાયમન્ડ્સને ગુજરાતના સુરત શહેરમાં પાસા અને પોલીશ કરાય છે. આ બિઝનેસ વર્ષે ૧૩ બિલિયન ડોલરનો છે. એન્ટવર્પની ડાયમન્ડ ઈન્ડસ્ટ્રીનો લગભગ ૭૫ ટકા વેપાર ભારતીયો અને મુખ્યત્વે ગુજરાતીઓના નિયંત્રણ હેઠળ છે.’

‘ગુજરાતીઓ વિદેશની સાથોસાથ ઘરઆંગણે પણ ભારતની સફળતામાં અગ્રેસર છે. ભારતના સૌથી ધનવાનોમાં ત્રણ-મુકેશ અંબાણી, દીલીપ સંઘવી અને અઝીમ પ્રેમજી ગુજરાતી છે. ગુજરાતી પ્રભુત્વ હેઠળના બિઝનેસીસમાં વિશ્વાસ અને પ્રામાણિકતાના ગુણો ઝળહળે છે. મોટા ભાગના ગુજરાતી બિઝનેસીસ પરિવાર સંચાલિત હોય છે. ગુજરાતી ઉદ્યોગસાહસિકો જોખમ લેવામાં પાછીપાની કરતા નથી, પરંતુ પારિવારિક નેટવર્ક સૌથી સલામત હોવાનું પણ સમજે છે.’, તેમ લેખક કહે છે.

ઘણા બ્રિટિશ સંસ્થાનોમાં ગુજરાતીઓએ સફળતા માણી છે, પરંતુ બ્રિટિશરો ગયા પછી સ્થાનિક સત્તાએ તેમને નિશાન બનાવ્યા હતા. યુગાન્ડા જેવા દેશોમાંથી તેમની સામૂહિક હકાલપટ્ટી કરાઈ હતી અને ઘણા લોકો બ્રિટન આવી પહોંચ્યા હતા. તે પ્રવાહના થોડાં સમય અગાઉ જ યુગાન્ડાના આવા એક ગુજરાતી લોર્ડ ડોલર પોપટ ૧૭ વર્ષની વયે ખિસામાં માત્ર ૧૦ પાઉન્ડ સાથે બ્રિટન આવી પહોંચ્યા હતા. યુગાન્ડાના એશિયનોનો મોટો પ્રવાહ આવ્યો ત્યાં સુધીમાં તો લોર્ડ પોપટ વેમ્બલીમાં ત્રણ બેડરૂમનું ઘર ધરાવતા હતા અને તેમણે ૨૫ શરણાર્થીઓને આશરો આપ્યો હતો. તેમણે બિઝનેસ સ્ટડીના નાઈટ કોર્સીસ કર્યા અને ૧૯૭૭માં પ્રથમ કોર્નર શોપ ખરીદી. ત્રણ વર્ષ પછી તેમણે મોર્ગેજ પૂરો પાડતી ફાઇનાન્સ કંપની સ્થાપી અને ટૂંક સમયમાં તેમણે પોતાનું પ્રથમ કેર હોમ પણ ખરીદ્યું હતું. આ પછી હોટેલ્સ અને ઘણું બધું આવ્યું આજે તેઓ આશરે ૭૦ મિલિયન પાઉન્ડની સંપત્તિ ધરાવે છે અને ૨૦૧૦માં કન્ઝર્વેટિવ દ્વારા અપાયેલું ઉમરાવપદ માણે છે.

ગુજરાતી કોમ્યુનિટીની આવી તો ઘણી કથાઓ છે. તેમાં ભીખુ - વિજય પટેલ અથવા ચાર્લ્સ પટેલ અથવા તો ખુદ આપણા પ્રકાશક / તંત્રી સી.બી. પટેલ હોય, આ બધાએ એક અથવા બીજી રીતે બ્રિટનનો ચહેરો પલટાવી દીધો છે. વિશ્વભરના ગુજરાતીઓ ભવિષ્યમાં પણ આવી સફળતા માણતા રહેશે? જ્યાં સુધી બજારમાં નાની મોટી જગ્યાઓ છે ત્યાં સુધી તો અનિવાર્યપણે તેનો લાભ લેવા ગુજરાતી ત્યાં જઈ પહોંચશે.

રિપોર્ટમાં ABPLનું યોગદાન

ગુજરાતમાં પાટીદાર અનામત અને ક્વોટા આંદોલન પછી ત્રણ મહિના અગાઉ ઈકોનોમિસ્ટના સીનિયર પત્રકાર અમારી ઓફિસે આવ્યા હતા અને તેમણે અમારા તંત્રી સી. બી. પટેલ સાથે આ વિષય પર ચર્ચા કરી હતી. યુકેમાં સૌથી જૂના પાટીદાર સંગઠનના પૂર્વ પ્રમુખ સી. બી. પટેલે ‘ગુજરાત સમાચાર’ અને ‘ એશિયન વોઈસ’માં પ્રસિદ્ધ રિપોર્ટ્સ આ પત્રકારને આપ્યા હતા. ટુંકમાં કહીએ તો ભારતમાં અનામત અને ક્વોટા પદ્ધતિ જરીપુરાણી અને વિભાજક છે, જેનાથી પટેલ કોમ્યુનિટીના હિતોને ભારે નુકસાન થયું છે. પટેલ સમાજે ઘરઆંગણે અને વિદેશમાં પડકારોનો સામનો કરી સમૃદ્ધિ મેળવી છે. તેઓ અનામત કે ક્વોટા માગી રહ્યા નથી, જે અવ્યવહારુ છે.

આ પત્રકાર ફરી સી.બી.ને મળવા આવ્યા હતા. ઈકોનોમિસ્ટના તંત્રીએ ક્રિસમસ સ્પેશિયલ તરીકે ગુજરાતીઓ વિશે વિશેષ લેખ તૈયાર કરવાની સૂચના આપી હતી. સી.બી.એ તેમને યુકે, યુએસ અને ભારતમાં કેટલાક નામ અને સંપર્કો પૂરા પાડ્યા હતા. ઈકોનોમિસ્ટના પત્રકારે અમદાવાદ, કરમસદ મધ્ય ગુજરાતના કેટલાક સ્થળોએ સંપર્કોની મુલાકાત કરવા સાથે સુરતમાં કેટલોક સમય વીતાવ્યો હતો.

સમાપન કરીએ ત્યારે ગુજરાતીઓના મૂલ્યો અને પરંપરાઓ વિશે આ ઉચ્ચસ્તરીય અને હકીકતદર્શક રિપોર્ટ ABPLમાં અમારા માટે પણ પ્રેરણાસમાન છે. વિષયસામગ્રીની ગુણવત્તા જ પ્રિન્ટ મીડિયાના અસ્તિત્વને જાળવી રાખશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter