ગ્રાન્ટ થોર્નટન ઇન્ડિયા મિટ્સ બ્રિટનની 12મી એડિશનનો સત્તાવાર પ્રારંભ

આ વર્ષનું ટ્રેકર યુકે અને ભારત વચ્ચેના આર્થિક સંબંધોના મહત્વનો સજ્જડ પુરાવો છેઃ મનોજ લાડવા

Tuesday 24th June 2025 10:56 EDT
 
 

લંડનઃ લંડનમાં ક્વીન એલિઝાબેથ દ્વિતીય સેન્ટર ખાતે ઇન્ડિયા ગ્લોબલ ફોરમના સ્પેશિયલ ઓપનિંગ સેશનમાં ભારતના વાણિજ્ય પ્રધાન પીયૂષ ગોયલે ગ્રાન્ટ થોર્નટન ઇન્ડિયા મિટ્સ બ્રિટનની 12મી એડિશનનો સત્તાવાર પ્રારંભ કરાવ્યો હતો.

ઇન્ડિયા ગ્લોબલ ફોરમ અને કોફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી સાથે મળીને ગ્રાન્ટ થોર્નટન દ્વારા તૈયાર કરાયેલ વર્ષ 2025 માટેનો રિપોર્ટ યુકેમાં ભારતીય મૂડીરોકાણની વિસ્તૃત માહિતી આપે છે. ઇન્ડિયા ગ્લોબલ ફોરમના સ્થાપક અને અધ્યક્ષ મનોજ લાડવાએ જણાવ્યું હતું કે, આ વર્ષનું ટ્રેકર યુકે અને ભારત વચ્ચેના આર્થિક સંબંધોના મહત્વનો સજ્જડ પુરાવો છે. ઇન્ડિયા ગ્લોબલ ફોરમ લંડન યુકેમાં ભારતીય બિઝનેસ કેવી રીતે પ્રગતિ કરી રહ્યાં છે તેની વિગતો મેળવવા માટેનો આદર્શ મંચ છે. ભારતીયોની માલિકીની કંપનીઓમાં વધારો દ્વિપક્ષીય સહકારના નવા અધ્યાયને આકાર આપતી મહત્વાકાંક્ષાને પ્રતિબિંબિત કરે છે.

2025ના ટ્રેકર અનુસાર યુકેમાં હાલ 1197 કંપનીઓની માલિકી ભારતીયોની છે. જે ગયા વર્ષની 971ની સરખામણીમાં 23 ટકાનો વધારો દર્શાવે છે. આ કંપનીઓ દ્વિપક્ષીય વેપાર સંબંધોમાં સામુહિક રીતે આર્થિક મહત્વ સ્થાપિત કરે છે.

તમામ સેક્ટરમાં સ્કીલ્ડ પ્રોફેશનલ્સની મોબિલિટી સરળ બનશેઃ ગોયલ

ઇન્ડિયા ગ્લોબલ ફોરમ 2025ને સંબોધન કરતાં ભારતના વાણિજ્ય પ્રધાન પીયૂષ ગોયલે જણાવ્યું હતું કે, યુકે અને ભારત વચ્ચેનો વેપાર કરાર તમામ સેક્ટરમાં સ્કીલ્ડ પ્રોફેશનલ્સની મોબિલિટી સરળ બનાવશે. તેમણે વેપાર કરારને પરિવર્તનકારી આર્થિક ભાગીદારી બનાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. ભારતના વાણિજ્ય મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, પીયુષ ગોયલે યુકેના બિઝનેસ સેક્રેટરી જોનાથાન રેનોલ્ડ્સ સાથે મહત્વની મંત્રણા કરી હતી.

બ્રિટને ભારત સાથે વૈજ્ઞાનિક અને શૈક્ષણિક સંબંધો મજબૂત બનાવવા જોઇએઃ લોર્ડ પેટ્રિક વોલેન્સ

લંડનમાં સાયન્સ મ્યુઝિયમ ખાતે ઇન્ડિયા ગ્લોબલ ફોરમ દ્વારા આયોજિત સમારોહમાં બ્રિટનના સાયન્સ મિનિસ્ટર લોર્ડ પેટ્રેક વોલેન્સે જણાવ્યું હતું કે, સાયન્સ અને ટેકનોલોજીમાં ભારત શક્તિશાળી દેશ તરીકે ઉભરી રહ્યો છે ત્યારે બ્રિટને ભારત સાથે વૈજ્ઞાનિક અને શૈક્ષણિક સંબંધો મજબૂત બનાવવા જોઇએ. તેમણે ગ્લોબલ ટેલેન્ટ વિઝા દ્વારા હાઇ સ્કીલ્ડ પ્રોફેશનલ્સને આવકારવાની જોરદાર હિમાયત કરી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter