લંડન: સામાન્ય રીતે ૧૧ વર્ષની વયના બાળકો જ્યારે રમતગમતના મેદાનમાં વ્યસ્ત હોય છે ત્યારે ઉત્તર લંડનના હેરોની બોધાના શિવાનંદન વિશ્વના દિગ્ગજ ગ્રાન્ડમાસ્ટર્સને પરાજિત કરવાના મનસૂબા ઘડી રહી હતી. બોધાના હવે ઇંગ્લેન્ડની સર્વશ્રેષ્ઠ મહિલા ચેસ ખેલાડી બની છે.
ઇન્ટરનેશનલ ચેસ ફેડરેશન (FIDE) દ્વારા જાહેર કરાયેલ તાજેતરના રેન્કિંગ મુજબ, ફ્રાન્સ, ઓસ્ટ્રિયા અને યુકેમાં શાનદાર પ્રદર્શન બાદ બોધાના વિશ્વની મહિલા ખેલાડીઓમાં 72મા સ્થાને પહોંચી છે. તેનું રેટિંગ વધીને 2366 પહોંચ્યું છે આમ તેણે ૨૫ વર્ષીય લેન યાઓને પછડાટ આપી ઇંગ્લેન્ડની ટોચની મહિલા ચેસ ખેલાડીનું બિરુદ હાંસલ કર્યું છે.
બોધાનાએ જણાવ્યું હતું કે, મારો ઉદ્દેશ્ય શક્ય તેટલું શ્રેષ્ઠ રમવાનો છે. હું માત્ર અહીં અટકવા નથી માંગતી, મારે હજુ આગળ વધવું છે. બોધાનાનું હવે પછીનું લક્ષ્ય વિશ્વના સૌથી નાની વયના ગ્રાન્ડમાસ્ટર બનવાનું છે. હાલમાં આ રેકોર્ડ અમેરિકાના અભિમન્યુ મિશ્રા (૧૨ વર્ષની વયે ગ્રાન્ડમાસ્ટર) ના નામે છે. જો બોધાના તેની લય જાળવી રાખશે તો તે ચેસના ઇતિહાસમાં નવું પ્રકરણ લખશે તેમાં કોઈ શંકા નથી.
ઇંગ્લિશ ચેસ ફેડરેશનના ચીફ એક્ઝિક્યુટિવ રિચાર્ડ વોલ્શે બોધાનાની સિદ્ધિઓને ગૌરવ સમાન ગણાવી છે. ઇન્ટરનેશનલ માસ્ટર માલ્કમ પેઈને તેને પેઢીમાં એકાદ વાર જોવા મળતી પ્રતિભા ગણાવી છે.
વિક્રમોની વણઝાર
- ઐતિહાસિક જીત: ગયા ઓગસ્ટમાં લિવરપૂલ ખાતે બ્રિટિશ ચેસ ચેમ્પિયનશિપમાં ૬૦ વર્ષીય ગ્રાન્ડમાસ્ટર પીટર વેલ્સને હરાવીને તે ગ્રાન્ડમાસ્ટરને હરાવનારી સૌથી નાની વયની મહિલા ખેલાડી બની હતી.
- ઓલિમ્પિયાડમાં પ્રતિનિધિત્વ: વર્ષ ૨૦૨૪માં હંગેરીમાં યોજાયેલ ચેસ ઓલિમ્પિયાડમાં પસંદગી પામીને તે કોઈપણ રમતમાં ઇંગ્લેન્ડનું પ્રતિનિધિત્વ કરનાર સૌથી નાની વયની ખેલાડી બની.
- દિગ્ગજોને આપી માતઃ તેણે યુક્રેનની પૂર્વ વિશ્વ ચેમ્પિયન મારિયા મુઝિચુક જેવા મહારથીઓને પણ હરાવ્યા છે.


